જેતપુરની એક બેંકના કર્મચારીએ ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાના નામે મહિલા અને સિનિયર સિટીઝનોના ઘરે અને દુકાને જઈ મોબાઈલમાંથી ઓટીપી મેળવી 3.65 લાખ પોતાના ખાતામાં ઉધારી લઈ છેતરપિંડી આચરી હોવાની સીટી પોલીસ સ્ટેશનમાં સાયબર એક્ટ હેઠળ ફરીયાદ નોંધાઈ હતી.
શહેરના રૈયારાજ વિસ્તારમાં રહેતાં ચંદ્રિકાબેન નટવરલાલ માલવીયાએ સીટી પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેણી શહેરના કણકીયા પ્લોટમાં ગોકુલ ઇલેક્ટ્રીક નામની દુકાન ચલાવે છે. તેણી અને તેના પતિનું જેતપુરની બેંક ઓફ બરોડા બેંકમાં જોઈંટ સેવિંગ બેન્ક એકાઉન્ટ છે, અને ક્રેડિટ કાર્ડ પણ કઢાવ્યું હતું ચારેક મહિના પહેલા બેંક ગયા ત્યારે ક્રેડીટ કાર્ડનુ કામ કરતા બેંકના કર્મચારી પ્રદીપ વાળાને મળેલ અને ક્રેડીટ કાર્ડ બંઘ કરવાની વાત કરી તો તેણે મોબાઇલ ફોન માંગ્યો હતો અને તેઓએ મોબાઇલ ફોનમાં પ્રોસેસ કરી પછી વાત કરી હતી કે, તમારૂ ક્રેડીટ કાર્ડ થોડા દિવસમાં બંધ થઈ જશે. થોડા દિવસ બાદ ક્રેડીટ કાર્ડ બંધ થયેલ ન હોય જેથી પ્રદીપને ફોન કર્યો તો, તેને કહ્યું કે, હું તમારી દુકાને આવુ છુ, તેમ વાત કરી તે દુકાને આવ્યો અને મોબાઈલમાં પ્રોસેસ કરી કહ્યું કે, થોડા દિવસમાં ક્રેડીટ કાર્ડ બંઘ થઈ જશે આમ બે-ત્રણ વાર તે દુકાને આવેલ મોબાઇલ ફોનમાં પ્રોસેસ કરી થોડા દિવસમાં ક્રેડીટ કાર્ડ બંધ થઈ જશે તેમ વાત કરી જતો રહેતો હતો.
ત્રણેક માસ પહેલા ચંદ્રિકાબેનને ફોન આવ્યો કે, તમારે ક્રેડીટ કાર્ડના બીલના 30 હજાર ચુકવવાના છે જેથી તેણી બેંક પર ગયા તો જાણવા મળ્યું કે, આરોપી પ્રદિપ ક્રેડીટ કાર્ડ બંધ કરવાના બહાને તેણીનો મોબાઈલ ફોન લઈ જતો અને મોબાઇલમાંથી ઓ.ટી.પી. લઈ ક્રેડીટ કાર્ડમાંથી પૈસા ઉપાડી લેતો હતો. બેંક પર તેમના સિવાય ચંદુલાલ કાપડીયા, ભંદ્રેશભાઈ ભોજવાણી, દિપેનકુમાર હરસુરીયા પણ હાજર હતા. આરોપી પ્રદીપે તેઓને પણ ક્રેડીટ કાર્ડની લીમીટ વઘારવાની તેમજ અન્ય ઇસ્યુ સોલ્વ કરવાની વાત કરી કોઈ પણ રીતે ઓ.ટી.પી. મેળવી લઈ તેઓના પણ પૈસા ઉપાડી લઈ વિશ્વાસઘાત કર્યો છે.