શુક્રવારે મુંબઈના બાંદ્રા બેન્ડ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલા શાહરુખ ખાનના બંગલા ‘મન્નત’ની તપાસ કરવામાં આવી હતી. આ કાર્યવાહી વન વિભાગ અને બીએમસીની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ, કાર્યવાહીનું કારણ કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (CRZ)ના નિયમોના ઉલ્લંઘનની ફરિયાદ હતી. શાહરુખ ખાનનો આ બંગલો દરિયાકિનારે છે.
નોંધનીય છે કે મન્નત એક હેરિટેજ પ્રોપર્ટી છે. એમાં એક મુખ્ય બંગલો અને એની પાછળ એક બહુમાળી એનેક્સ બિલ્ડિંગ છે. હાલમાં એનેક્સ બિલ્ડિંગમાં બે વધારાના માળનું બાંધકામ ચાલી રહ્યું છે.
શાહરુખ અને તેનો પરિવાર હાલમાં નજીકમાં કોઈ અન્ય જગ્યાએ રહે છે. ટીમ સ્થળ પર સ્ટાફને મળી. સ્ટાફે અધિકારીઓને જણાવ્યું કે બધી મંજૂરીઓ અગાઉ લેવામાં આવી છે. દસ્તાવેજો પણ ટૂંક સમયમાં સબ્મિટ કરવામાં આવશે.