પીએમ મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે કેબિનેટમાં પણ ધમસાણ ચાલી રહ્યું છે. આ વખતે ભાજપ એકલા હાથે બહુમતી મેળવી શકી નથી, તેથી સાથીપક્ષોની વાત પણ સાંભળવી પડશે. પહેલા નીતિશ અને ચંદ્રબાબુ નાયડુ બંને સાથીપક્ષોની માગણીઓ પૂરી કરવી પડશે. પછી પોતાના સાંસદોને એડજસ્ટ કરવા પડશે. આ માટે ભાજપ યુપી અને રાજસ્થાનમાંથી મંત્રીઓને ઘટાડી શકે છે.
માનવામાં આવે છે કે ટીડીપીને 4, જેડીયુને 3, એલજેપી અને શિવસેનાને 2-2 મંત્રી પદ મળી શકે છે. જોકે નીતિશે 4 કેબિનેટ અને એક રાજ્ય મંત્રીપદની માગણી કરી છે. એવા અહેવાલો છે કે ભાજપ પછી NDAની સૌથી મોટી પાર્ટી TDP અને JDU નાણાં મંત્રાલયની સાથે સ્પીકરપદની માગ કરી રહી છે, કારણ કે તપાસ એજન્સી ED નાણાં મંત્રાલય હેઠળ આવે છે.
જોકે ભાજપનાં સૂત્રો કહી રહ્યાં છે કે ભાજપ સંરક્ષણ, નાણાં, ગૃહ અને વિદેશ મંત્રાલય પોતાની પાસે રાખશે. પાર્ટી-અધ્યક્ષ જેપી નડ્ડાના ઘરે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ભાજપ સ્પીકરપદ પણ જાળવી રાખશે તેમજ ચૂંટણી જીતનાર તમામ મંત્રીઓને રિપીટ કરી શકાય છે.
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને મોટી ભૂમિકા મળી શકે છે. નાણાં મંત્રાલયની જવાબદારી નિર્મલા સીતારમણને બદલે પીયૂષ ગોયલને આપવામાં આવી શકે છે. જોકે હજુ સુધી મંત્રીઓનો પોર્ટફોલિયો નક્કી કરવામાં આવ્યો નથી.