રાજકોટ મહાનગરપાલિકામાં આગામી 19મીએ સવારે 11 વાગ્યે જનરલ બોર્ડની મિટિંગ મળનારી છે ત્યારે આ જનરલ બોર્ડ તોફાની બની રહે તેવી પૂરતી શક્યતા છે. જનરલ બોર્ડમાં ભાજપ-કોંગ્રેસના 16 કોર્પોરેટરે 23 પ્રશ્ન રજૂ કર્યા છે. જેમાં ભાજપના 14 કોર્પોરેટરે 17 પ્રશ્ન અને કોંગ્રેસના 2 કોર્પોરેટરે 6 પ્રશ્ન રજૂ કર્યા છે. જેમાં પ્રથમ ત્રણ પ્રશ્ન ભાજપના કોર્પોરેટરના હોય આ બોર્ડમાં પણ ભાજપ પ્રશ્ન પર જ ચર્ચાઓ થશે તે નિશ્ચિત બન્યું છે. શાસક પક્ષે ડીઆઇ પાઇપલાઇન, બસ પાસ, સફાઇ સહિતના પ્રશ્નો રજૂ કર્યા છે. જ્યારે કોંગ્રેસના બે કોર્પોરેટરે ટીપી, કેલેન્ડરના પ્રશ્નો રજૂ કર્યા છે. વિપક્ષે પ્રશ્નો ભલે જે પૂછ્યા હોય પરંતુ તડાફડી પાણી પ્રશ્ને બોલાવશે તેમ જાણવા મળે છે.
જનરલ બોર્ડમાં પ્રશ્નકાળમાં પ્રથમ ક્રમે ભાજપના કોર્પોરેટર મંજુલાબેન કુંગશિયાનો મેલેરિયા શાખાની કામગીરીનો પ્રશ્ન ચર્ચામાં આવશે. જ્યારે બીજીબાજુ વિપક્ષે ટીપી બ્રાન્ચે કેટલી નોટિસ ફટકારી, તેમજ રિલાયન્સ અને એરટેલના ટેલિકોમ ટાવર તેમજ ડામર રોડ બનાવી અને પાંચ વર્ષ પૂર્ણ થયા ન હોય છતાં ડીઆઇ પાઇપલાઇન ઇન્સ્ટોલેશન સહિતના કારણોસર ખોદકામ કરાયું હોય તેવા રોડ કેટલા સહિતના પ્રશ્નો ઇન્વર્ડ કરાવવામાં આવ્યા છે.
આ જનરલ બોર્ડમાં એજન્ડામાં છ દરખાસ્તનો સમાવેશ કરાયો છે જેમાં રાજકોટ મહાનગરપાલિકાની હદમાં આખરી નગરરચના યોજના નં.9 સહિતની દરખાસ્તનો સમાવેશ થાય છે.