ગુજરાત પ્રદેશ ભાજપના નવા સુકાની જાહેર થાય તે પહેલાં રાજ્યના તમામ શહેર જિલ્લાના પ્રમુખોની જાહેરાત કરવાનો તખ્તો ગોઠવાઇ ગયો છે. ગુરુવારે મોડી સાંજે રાજકોટ શહેર અને રાજકોટ જિલ્લા પ્રમુખના નામની વિધિવત રીતે જાહેરાત કરવામાં આવશે. રાજકોટ શહેરમાં નવા ચહેરાની પસંદગી થશે તેવું નિશ્ચિત મનાઇ રહ્યું છે જ્યારે જિલ્લા પ્રમુખ તરીકે ઢોલરિયા રિપીટ થાય તેવા ઊજળા સંજોગો હોવાના પણ નિર્દેશ મળી રહ્યા છે.
પ્રદેશ ભાજપે સંગઠન પર્વના ભાગરૂપે શહેર જિલ્લાના પ્રમુખ માટે ચૂંટણી પ્રક્રિયા યોજી હતી. રાજકોટ શહેરમાં તા.4 જાન્યુઆરીના ચૂૂંટણી નિરીક્ષકો સામે વર્તમાન પ્રમખ મુકેશ દોશી સહિત 33 આગેવાનોએ દાવેદારી કરી હતી અને એજ દિવસે જિલ્લા ભાજપના આગેવાનોએ પણ ફોર્મ ભર્યા હતા. તમામ દાવેદારોને નિરીક્ષકોએ સાંભળ્યા હતા અને ત્રણેક દિવસમાં નવા પ્રમુખની જાહેરાત કરી દેવાશે તેવી જાહેરાત તત્કાલીન સમયે થઇ હતી, પરંતુ નગરપાલિકાની ચૂંટણી આવતા ભાજપે જોખમ લેવાનું ટાળ્યું હતું અને નવા સુકાનીની જાહેરાત અટકાવી દીધી હતી, પરંતુ તા.6ને ગુરુવારે હવે પ્રમુખના નામની જાહેરાત કરવામાં અાવશે.
રાજકોટ શહેર અને જિલ્લાના પ્રમુખના નામની જાહેરાત ચૂંટણી ક્લસ્ટર અને રાજ્યસભાના સાંસદ મયંક નાયકની અધ્યક્ષતામાં કરવામાં આવશે. રાજકોટ શહેર ભાજપ કાર્યાલયે સાંજે સાડા સાતેક વાગ્યાના અરસામાં સંકલનની બેઠક મળશે અને ત્યારબાદ શહેર ભાજપના તમામ કોર્પોરેટર અને વોર્ડ પ્રમુખની બેઠકમાં પ્રમુખના નામની જાહેરાત થશે, તેમજ રાત્રીના સાડા આઠેક વાગ્યે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ જાહેર કરાશે.