રાજકોટ TRP ગેમ ઝોન દુર્ઘટના વચ્ચે મોટો ઘટસ્ફોટ થયો છે. રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલિન ફાયર ઓફિસર ઠેબાને બિલ્ડિંગનો પ્લાન પાસ કરવા માટે રામ મોકરિયાએ રૂપિયા 70 હજાર રૂપિયા આપ્યા હતા. જો કે, બાદમાં રામ મોકરિયા સાંસદ બનતા ફાયર ઓફિસરને બ્રહ્મજ્ઞાન થયું હતું અને તેથી તેમણે નાણાં પરત આપી દીધા હતા.
રાજકોટ મહાનગરપાલિકાનો ભ્રષ્ટ ચહેરો ઉઘાડો પડી ગયો છે. ત્યારે અનેક નિર્દોષના જીવની પરવા કર્યા વગર ફાયર શાખા કેવી રીતે ભ્રષ્ટાચાર આચરતી હતી તેનો નાદાર નમૂનો રજૂ થયો છે. જેમાં રાજ્યસભાના ભાજપના સાંસદ રામ મોકરિયાએ પણ ફાયર NOC (નો ઓબ્જેક્શન) સર્ટિફિકેટ માટે મહાનગરપાલિકાના ફાયર ઓફિસર ઠેબાને રૂપિયા 70 હજાર આપ્યા હતા.
રામ મોકરિયાએ કહ્યું કે, મારો પ્લાન પાસ ન હતો થયો. સર્વે નંબર 105માં ભાજપ કાર્યાલય પાસે 27 હજાર વારમાં મેં બિલ્ડિંગનો પ્લાન મૂક્યો હતો. આ જમીન બિનખેતી થયેલી છે. જેમાં રેસિડેન્સિયલ અથવા કોમર્શિયલ પ્રોજેક્ટ થઈ શકે. પહેલાં એરપોર્ટનું NOC ન હતું. પછી એમણે આપી દીધું. ફાયર શાખાના NOC માટે ફાયર ઓફિસર ઠેબાને રૂપિયા 70 હજાર આપ્યા હતા. ત્યારે હું સાંસદ ન હતો. મહાનગરપાલિકામાં કોણ પૈસા નથી લેતું? કલેક્ટરમાં કોણ નથી લેતું? બધાનો ત્રાસ છે. 200 કરોડની જમીન હોય અને કામ અટકાવી દે… 70 હજાર રૂપિયા શેના માટે આપ્યા? એ વિશે પૂછતા તેમણે કહ્યું કે, પ્લાન માટે જ આપવા પડે ને? આ લોકો NOC માટે બધા પાસેથી નાણાં લે છે. પૂછો બિલ્ડર એસોસિયએશનને?