રાજકોટ મનપા સંચાલિત સિટી બસના ડ્રાઇવરે ચાર-ચાર વ્યક્તિને કચડી માર્યાની ઘટનાથી શહેર સ્તબ્ધ છે, ત્યારે આ ગોઝારા અકસ્માત પાછળ પણ ભાજપના મોટાં માથાંઓની ખાયકી વૃત્તિ જવાબદાર હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
સિટી બસમાં ડ્રાઇવરની ભરતી સહિતની જવાબદારી ભાજપનો પૂર્વ આગેવાન સંભાળતો હતો અને તેને આ જગ્યા પર સેટ કરવામાં ભાજપના એક વહીવટદાર મહામંત્રી અને એક સિટી એન્જિનિયરની ભૂમિકા હોવાની પણ જોરશોરથી ચર્ચા શરૂ થઇ છે. મહાનગરપાલિકાના એક જવાબદાર પદાધિકારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાની આ સિટી બસ સેવામાં બસ પૂરી પાડવાનો કોન્ટ્રાક્ટ પીએમઆઇ કંપની ધરાવે છે. પીએમઆઇ કંપની આવા અકસ્માત સહિતની દુર્ઘટનામાં સીધી ફસાઇ નહીં અને સ્થાનિક કક્ષાએ યોગ્ય રીતે કામગીરી થાય તે માટે પેટા કોન્ટ્રાક્ટ આપતી હોય છે. આ પેટા કોન્ટ્રાક્ટ મેળવવા માટે સાતેક મહિના પહેલાં શહેર ભાજપના એક પૂર્વ મહામંત્રી વિક્રમ ડાંગરને લઇને આજી ડેમ પાસે આવેલા પીએમઆઇના ડેપોએ ગયા હતા અને ત્યાં કંપનીના અધિકારીઓને મળ્યા હતા. મહામંત્રીએ પીએમઆઇના અધિકારીને કહ્યું હતું કે, એક ધારાસભ્ય અને અમે બધા સાથે જ છીએ, આ પેટા કોન્ટ્રાક્ટ મારે જ રાખવાનો છે, હું જાહેર જીવનમાં હોવાથી મારું નામ નહીં હોય, નામ વિક્રમ ડાંગરનું રહેશે પરંતુ અમે બધા સાથે જ હશું. મહામંત્રીના ધમપછાડા પછી પણ પેટા કોન્ટ્રાક્ટ તો મળ્યો નહોતો, પરંતુ વિક્રમ ડાંગરને સુપરવાઇઝર તરીકે રખાવવામાં સફળતા મળી હતી. મહામંત્રીએ એક સિટી એન્જિનિયર પર દબાણ કર્યું હતું અને સિટી એન્જિનિયરની ભલામણથી વિક્રમ ડાંગરને સુપરવાઇઝર બનાવવામાં આવ્યો હતો. દરેક કામમાં કમિશન કટકટાવતા આ વહીવટદાર મહામંત્રીએ પેટા કોન્ટ્રાક્ટ મેળવવા ધારાસભ્યનું નામ વટાવ્યું હતું ત્યારે ખરેખર ધારાસભ્યની જાણ બહાર આ વાત કરી હતી કે, ધારાસભ્ય પણ પડદા પાછળ હતા તે બાબત રહસ્ય છે તેવો નિર્દેશ પદાધિકારીએ આપ્યો હતો.