રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડો.જયેશ એલ.વંકાણી સામે ભાજપની સંકલનની બેઠકમાં શુક્રવારે ભડકો થયો હતો અને નારાજ તમામ કોર્પોરેટરોએ મેયર નયનાબેન પેઢડિયા અને સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર સામે ડો.વંકાણીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ નહીં, પરંતુ ફરજમાંથી બરતરફ કરવા માંગણી કરી હતી.
પાર્ટી સંકલનની બેઠકમાં કોર્પોરેટરોએ ડો.જયેશ વંકાણી આરોગ્ય વિભાગના મુખ્ય અધિકારી હોવા છતાં મનપાના પદાધિકારીઓ તેમજ કોર્પોરેટરોના ફોન રિસિવ કરતા ન હોવાની, કોર્પોરેટરો અને પદાધિકારીઓ સૂચવે તે કામ ન કરતા હોવાની, ખરીદી સહિતની નાણાકીય બાબતોમાં ગોલમાલ આચરતા હોવાની, આરોગ્ય શાખાના સ્ટાફમાં પણ વહાલા-દવલાની નીતિ રાખતા હોવાની, પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિનું માન જાળવતા ન હોવાની અને અરજદારો સાથે વાણી-વર્તન યોગ્ય ન રાખતા હોવાની સહિત એક ડઝન જેટલા આક્ષેપોનો મારો ચલાવ્યો હતો. ગત મિટિંગમાં પણ આ મુદ્દે ફરિયાદો ઉઠી હતી પરંતુ એક મહિના સુધી કોઇ કાર્યવાહી કરવામાં ન આવતા કોર્પોરેટરો નારાજ થયા હતા. આ બેઠકમાં પદાધિકારીઓએ આરોગ્ય અધિકારી ડો.જયેશ વંકાણીની ભરતી ઓફિસર સિલેકશન કમિટી દ્વારા કરવામાં આવી હોય તેમને બરતરફ કરવા મેયર નવેસરથી ઓફિસર સિલેકશન કમિટીની બેઠક બોલાવી બરતરફીની કાર્યવાહી કરશે તેમ જણાવ્યું હતું.