રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીએ જન્મ મરણ વિભાગમાં હંમેશાં લાંબી કતારો રહે છે કારણ કે, જૂના રેકર્ડમાં સુધારા વધારા તેમજ નકલ કઢાવવા માટે ત્યાં જવું પડે છે. આ કારણે નવા દાખલા માટે પણ કતારો રહે છે જેને લઈને હવે રાહતના ભાગરૂપે ત્રણેય ઝોનમાં આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જોકે લોકોને તે અંગે માહિતી ન હોવાથી હજુ પણ સેન્ટ્રલ ઝોને કતારો રહે છે તેથી મનપાએ સેન્ટ્રલ ઝોન ઉપરાંત વેસ્ટ અને ઈસ્ટ ઝોન કચેરીએ પણ જવા માટે જણાવ્યું છે.
મનપાના જણાવ્યા અનુસાર 2002 બાદના તમામ રેકર્ડ કે જે મનપા દ્વારા ડિજિટલી સ્ટોર કરવામાં આવ્યા છે તેમાં જન્મ મરણના કિસ્સામાં ચારેય પ્રકારની સેવાઓ મળી શકશે. જેમ કે, 2002 બાદ અને 2020 સુધીમાં જન્મ રેકર્ડમાં બાળકનું નામ દાખલ કરવાનું બાકી હોય તો તે કિસ્સામાં શાળા છોડ્યાના પ્રમાણપત્ર અથવા તો અન્ય દસ્તાવેજ મુજબ બાળકનું નામ દાખલ કરી શકાશે.