શહેરમાં રૈયાધાર પાસેના બેકાબૂ ટ્રેક્ટરે ઠોકરે લેતા બાઇકસવાર આધેડનું મોત નીપજતા તેના પરિવારમાં શોક છવાયો છે. શાકભાજીનો ધંધો કરતાં આધેડ તેનુ બાઇક લઇને બરફ લેવા જતા હતા અને આ બનાવ બન્યો હોવાનું બહાર આવતા પોલીસે ટ્રેક્ટરચાલક સામે ગુનો નોંધવા તેમજ આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.
રૈયાધાર પાસેના મચ્છુનગરમાં રહેતા કિશોરભાઇ રવજીભાઇ સોલંકી (ઉ.45) તેનું બાઇક લઇને જતા હતા ત્યારે તેના ઘર નજીક ટ્રેક્ટરના ચાલકે ઠોકરે લેતાં તેને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવને પગલે તાલુકા પોલીસે તપાસ કરતાં મૃતક કિશોરભાઇ શાકભાજીનો ધંધો કરતાં હોવાનું અને તેને સંતાનમાં બે પુત્ર હોવાનું તેના પરિવારે જણાવ્યું હતું. પોલીસની વધુ પૂછતાછમાં મૃતક આધેડ તેનું બાઇક લઇને તેના ઘર પાસે બરફ લેવા જતા હતા અને આ બનાવ બન્યો હોવાનું બહાર આવતા પોલીસે ટ્રેક્ટરચાલક સામે ગુનો નોંધવાની કાર્યવાહી કરી છે.