શહેરના ઉપલાકાંઠા વિસ્તારના સેટેલાઇટ ચોકમાં શ્વાનના મુદ્દે પ્રૌઢને પાડોશમાં રહેતા તેના સાઢુભાઇના પુત્ર સાથે બોલાચાલી થઇ હતી. ઉશ્કેરાયેલા શખ્સે પ્રૌઢ વયના તેના માસાને મુક્કો મારી દાંત પાડી દીધો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
મોરબી રોડ પર સેટેલાઇટ ચોક નજીક ઠાકોર દ્વાર સોસાયટીમાં રહેતા રમેશભાઇ જશમતભાઇ સોરઠિયા (ઉ.વ.51)એ બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પાડોશમાં રહેતા સંબંધી રોહન સુરેશ રૈયાણી અને તેની માતા જ્યોત્સના સુરેશ રૈયાણીના નામ આપ્યા હતા. રમેશભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે જમીન-મકાન લે-વેચનું કામ કરે છે અને તેની પાડોશમાં તેના સાઢુભાઇ સુરેશ નથુ રૈયાણી રહે છે. શનિવારે રાત્રે રમેશભાઇ તેમના ઘરની બહાર શેરીમાં ઊભા રહી તેમની પુત્રી સાથે મોબાઇલ પર વાતચીત કરી રહ્યા હતા અને તેમના પત્ની ભાનુબેન શેરીમાં શ્વાનને રોટલી નાખી રહ્યા હતા અને શ્વાન તે રોટલી ખાઇ રહ્યા હતા ત્યારે પાડોશમાં રહેતા સાઢુ સુરેશનો પુત્ર રોહન રૈયાણી પોતાનું પાલતું શ્વાન ડેલી પાસે લાવી રોટલી ખાઇ રહેલા શ્વાન સાથે ભસાવવાનું કામ કરી રહ્યો હતો.
રમેશભાઇએ શ્વાનને શાંતિથી રોટલી ખાઇ લેવા દેવા દે, તારા શ્વાનને ઘરમાં લઇ જા તેમ કહેતા રોહન રૈયાણી ઉશ્કેરાયો હતો અને તેણે તેના માસા રમેશભાઇને ગાળો ભાંડી હતી અને હાથાપાઇ કરવા લાગ્યો હતો તે વખતે રોહનની માતા જ્યોત્સના બહાર દોડી આવી હતી અને તેણે રમેશભાઇના બે હાથ પકડી રાખ્યા હતા. રોહન દોડીને ઘરમાંથી બેઝબોલનો ધોકો લઇ આવ્યો હતો તે ધોકા માથામાં ફટકારી દીધો હતો. બાદમાં રોહને મુક્કો મારતા રમેશભાઇનો દાંત તૂટીને નીચે પડી ગયો હતો. ધોકાથી અને મુક્કાથી ઘવાયેલા રમેશભાઇને લોહિયાળ હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા હતા. પ્રૌઢને માથામાં ત્રણ ટાંકા આવ્યા હતા. પોલીસે હુમલાખોર માતા-પુત્ર સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.