પુરવઠાના સર્વરના ધાંધિયાને કારણે લાભાર્થીઓને રેશનકાર્ડમાં ફેરફારથી લઇને રાશન મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. સર્વરમાં મુશ્કેલીનો લાભાર્થીઓ છેલ્લા કેટલાક સમયથી ભોગ બની રહ્યા છે.જેને કારણે રાજકોટની અનેક રેશનકાર્ડની દુકાનો પર ત્રણ માસનું અનાજ વિતરણ થઇ શક્યું નથી. જેથી લાભાર્થીઓ રાશન મેળવવાથી વંચિત રહ્યા છે.
સોમવારે પુરવઠા વિભાગના સર્વરમાં સમસ્યા સર્જાતા રેશનિંગની દુકાનો પર રાશન વિતરણ થઈ શકયું નહોતું. જૂન-જુલાઇ અને ઓગસ્ટ એમ ત્રણ માસનું અનાજ વિતરણ અટકી ગયું છે. ગ્રાહકોના ફિંગરપ્રિન્ટ, રેશનકાર્ડના નામમાં ફેરફાર,નામમાં કમી સહિતની કામગીરી ધીમી થઈ રહી છે. લાભાર્થીઓના જણાવ્યાનુસાર જ્યારે અનાજ વિતરણની કામગીરી ચાલુ હોય ત્યારે જ આ સમસ્યા ઊભી થાય છે.આ સિવાય રાજકોટ શહેરમાં સમયસર દુકાને જથ્થો નહિ પહોંચી શકતા છેલ્લા ત્રણ મહિનાનું વિતરણ એકસાથે થઇ રહ્યું છે. તેવામાં પણ આ સર્વરની સમસ્યા ઊભી થતાં લાભાર્થીઓને હેરાન થવું પડી રહ્યું છે.
આ ઉપરાંત ફિંગરપ્રિન્ટ કેપ્ચર માટે ડિવાઈસ ફરજિયાત કરવામાં આવતા અનેક વખત ગ્રાહકો અને દુકાનદારો વચ્ચે બોલાચાલી થાય છે. ત્યારે આ સમસ્યાનો ઉકેલ લાવવો જોઇએ તેવી માગણી ઊઠી છે.