રાજકોટના આંગણે 23 નવેમ્બરથી મોરારિબાપુની કથાનો પ્રારંભ થશે. અંદાજિત 12 વર્ષ બાદ ફરી વખત મોરારિબાપુની કથા યોજાશે. આ કથા વૃદ્ધો અને વૃક્ષો માટે રહેશે. સદ્ભાવના વૃદ્ધાશ્રમ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. કથામાં વિદેશથી પણ 5 હજાર દાતાઓ અને આગેવાનો આવશે. કથા દરમિયાન પર્યાવરણ જતન, જીવનમાં વૃક્ષોનું મહત્ત્વ અંગે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. તેમ સદ્ભાવના વૃદ્ધાશ્રમના સંચાલક વિજયભાઈ ડોબરિયાએ જણાવ્યું છે. કથામાં દૈનિક 50 હજાર માણસો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. વધુ માહિતી આપતા વિજયભાઈ ડોબરિયાએ જણાવ્યું હતું કે, આ કથામાં જે પણ અનુદાન એકત્રિત થશે તે સદ્ભાવના વૃદ્ધાશ્રમમાં જે વૃદ્ધોની સેવા-ચાકરી માટે વાપરવામાં આવશે. હાલ તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જે કોઈ કથામાં આવશે તેને તુલસી સહિતના રોપા અને ચકલીના માળાનું વિતરણ કરવામાં આવશે. રાજકોટમાં હાલ ગોંડલ રોડ અને જામનગર રોડ એમ બે સ્થળોએ વૃદ્ધાશ્રમ કાર્યરત છે. જેમાં અંદાજિત 1 હજાર વૃદ્ધોને આશરો આપવામાં આવ્યો છે.આ એવા વૃદ્ધો છે કે, જે નિ:સંતાન અથવા તો નિરાધાર, બીમાર છે. વૃદ્ધાશ્રમમાં નિરાધાર, નિ:સંતાન, નિ:સહાય વૃદ્ધોને વધુ આશરો આપી શકાય તે માટે રાજકોટના રામપરના આંગણે 7 માળનો નવો વૃદ્ધાશ્રમ બનાવવામાં આવશે.
30 એકરની જગ્યામાં આ વૃદ્ધાશ્રમનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.7 માળના કુલ 7 બિલ્ડિંગ હશે.જેમાં પુસ્તકાલય, કસરતના સાધનો, યોગા રૂમ, દવાખાનું, ગાર્ડન સહિતની સુવિધા ઘરઆંગણે જ મળી રહેશે.ગત વર્ષે તેનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ વૃદ્ધાશ્રમમાં 1400 રૂમ હશે. જેમાં 5 હજાર પથારીવશ, નિરાધાર વડીલોને આજીવન આશરો આપી શકાશે. લોકોમાં વૃક્ષારોપણને લઇને જાગૃતિ આવે તે માટે અા કથાનું આયોજન કરવામાં આવ્યું છે. દેશ-વિદેશથી સામાજિક અગ્રણીઓ, ઉદ્યોગપતિ, વેપારીઓ, રાજકીય અગ્રણીઓ હાજર રહેશે. તેમ સંસ્થાના સંચાલકે જણાવ્યું છે.