રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં સમરસ પેનલના ઉમેદવાર કિશન વાલવા માત્ર 10 મતે હાર્યા હોય રિ-કાઉન્ટિંગની માગણી કરી હતી જે માગણી ચૂંટણી કમિશનરે નામંજૂર રાખતા કિશન વાલવાએ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સમક્ષ અપીલ કરી હતી. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા તેમની અપીલ મંજૂર કરવામાં આવી છે અને રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં રિ-કાઉન્ટિંગના આદેશ કરાયા છે અને થયેલ કામગીરીનો રિપોર્ટ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને મોકલવા જણાવ્યું છે.
રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં સમરસ પેનલના ઉમેદવાર કિશન બાબુભાઇ વાલવા અને તેમના હરીફ એક્ટિવ પેનલના ઉમેદવાર હિરેન ડોબરિયા વચ્ચે માત્ર 10 મતનો નજીવો ફેર હતો અને કિશન વાલવા 10 મતે હારી જતા તા.21-12ના રોજ ચૂંટણી અધિકારીને લેખિતમાં અરજી આપી હતી. જે બાબતે ચૂંટણી કમિશનરે એવો હુકમ કર્યો હતો કે, જ્યારે અરજદારે કબૂલ કરેલ છે કે તેમના પ્રતિનિધિની કાઉન્ટિંગ શીટ અને ચૂંટણીની કાઉન્ટિંગ શીટ ટેલી થતું હતું ત્યારે 10 મતનો ફેરફાર થવાની કોઇ શક્યતાને અવકાશ નથી અને 10 મત એટલે કોઇ નાનો ડિફરન્સ ગણી શકાય નહીં. તે સંજોગોમાં અરજદારની રિ-કાઉન્ટિંગની અરજી ગ્રાહ્ય રાખવા પાત્ર જણાતી ન હોય રિ-કાઉન્ટિંગની અરજી આથી નામંજૂર કરવામાં આવે છે.