રાજકોટ જિલ્લો અને મોરબીમાં છેલ્લા બે દિવસમાં અનરાધાર વરસાદ પડ્યો છે. અત્યાર સુધી મધ્ય સૌરાષ્ટ્રમાં વરસાદની અછત હતી અને બે જ દિવસમાં સિઝનની ઘટ પૂરી થઈ છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં અચાનક પડેલા આ ભારે વરસાદ પાછળ બંગાળની ખાડીની સિસ્ટમ જવાબદાર બની છે જે ખરેખર રાજસ્થાન તરફ જતી હતી પણ ઉત્તર ગુજરાત તરફ ફંટાતા મેઘમહેર થઈ છે.
બંગાળની ખાડીમાં સિસ્ટમ સર્જાઈ હતી જે ત્યાંથી આગળ વધી અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ લાવીને મધ્યપ્રદેશ પહોંચી હતી. આ સિસ્ટમ ત્યાંથી રાજસ્થાન જવાના માર્ગે હતી જોકે અચાનક જ સિસ્ટમનો માર્ગ બદલાયો હતો અને પાંચ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે આગળ વધીને ઉત્તર ગુજરાત ખાસ કરીને પાટણ ઉપર સ્થિર થઈ હતી. કોઇપણ સિસ્ટમ સર્જાય તો તેમાં હવાની ગતિ ઉત્તરથી દક્ષિણ તરફની હોય છે. હવા આ રીતે સિસ્ટમમાં પ્રદક્ષિણા કરે એટલે આસપાસનો ભેજ પણ પોતાનામાં શોષી લે છે.
આ સિસ્ટમમાં ફરવાથી ભેજનું પ્રમાણ ખૂબ વધી જાય અને ફરી હવા પોતાની મૂળ સ્થાને પહોંચે ત્યાં સુધીમાં ભેજ એકત્ર થઈ જતા વરસાદ રૂપે પડે છે. આ જ કારણ હોય છે કે કોઇપણ સિસ્ટમ બને એટલે તેના દક્ષિણ ભાગમાં સૌથી વધુ વરસાદ પડતો હોય છે. ઉત્તર ગુજરાતમાં પાટણ તરફ સ્થિર થયેલા આ ડીપ ડિપ્રેશન સિસ્ટમના દક્ષિણ ભાગ કે જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પણ આવી જાય છે ત્યાં અનરાધાર વરસાદ પડ્યો છે.