સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રાજયની 41 DLSS (ડિસ્ટ્રીકટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ) સ્કૂલમાં 2200 સીટ પર પ્રવેશ માટે સિલેક્શન શરૂ કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે રાજકોટ ઝોનમાં રાજકોટ ઉપરાંત કચ્છ, જામનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકાના 960 જેટલાં ખેલાડીઓ DLSS સ્કૂલમાં પ્રવેશ માટે 7 પ્રકારની ટેસ્ટ આપશે. 22 મીથી 25 મી મે સુધી ચાલનારી આ બેટરી ટેસ્ટ શહેરમાં સ્થિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે યોજાશે.
DLSS સ્કૂલમાં 33 ઓલમ્પિક રમતોની તાલીમ ખેલાડીઓને વિનામૂલ્ય આપવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓના અભ્યાસથી લઈને ભોજન અને રહેઠાણ સુધીનો ખર્ચ સરકાર દ્વારા અપાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2036મા ઓલમ્પિકની યજમાની ભારતમાં કરવા માટેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે ત્યારે આ DLSS સ્કૂલના ખિલાડીઓ તેમાં મહત્ત્વનો ભાગ ભજવી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારત દેશનું નામ રોશન કરશે.
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત હેઠળના રાજકોટ જિલ્લા રમત વિકાસ અધિકારી રમાબેન મદ્રાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા વર્ષ 2014-15થી DLSS (ડિસ્ટ્રીકટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ)ની શરૂઆત કરવામાં આવી હતી.