ક્ષૌરકર્મના ધંધાર્થીએ બુલેટ આપવાની ના કહેતા બે શખ્સનો છરીથી હુમલો

શહેરના ભગવતીપરામાં રહેતા ક્ષૌરકર્મના ધંધાર્થી પર તેના મિત્ર સહિત બેએ છરીથી હુમલો કર્યો હતો, ક્ષૌરકર્મના ધંધાર્થી યુવકે પોતાનું બુલેટ અાપવાની ના કહેતા તેના પર હુમલો કરવામાં આવ્યો હતો.

ભગવતીપરામાં રહેતા મહેશભાઇ બટુકભાઇ વાઘેલા (ઉ.વ.38) શનિવારે રાત્રે પોતાના ઘર પાસે ઉભા હતા ત્યારે તેનો મિત્ર પારસ અગ્રાવત ત્યાં ગયો હતો અને તેણે મહેશભાઇને કહ્યું હતું કે, તમારૂ બુલેટ આપો, બદલામાં મારૂ એક્ટિવા આપીશ, મહેશભાઇએ બુલેટ આપવાની ના કહેતા પારસ ઉશ્કેરાયો હતો અને ઝઘડો કરી પોતાના ઘર તરફ જતો રહ્યો હતો, થોડીવાર બાદ પારસ પોતાના કાકા હરેશ અગ્રાવતને લઇને આવ્યો હતો ને બુલેટ આપવાની કેમ ના કહી હતી તેમ કરી ઝઘડો શરૂ કર્યો હતો, હરેશે ક્ષૌરકર્મના ધંધાર્થી મહેશભાઇને પકડી રાખ્યા હતા અને પારસે તેને છરીના ઘા ઝીંક્યા હતા.

સરાજાહેર હુમલો થતાં દેકારો મચી ગયો હતો, લોકો એકઠા થઇ જતાં હુમલાખોરો નાસી ગયા હતા, હુમલામાં ઘવાયેલા મહેશભાઇને હોસ્પિટલમાં ખસેડવામાં અાવ્યા હતા, બનાવ અંગે મહેશભાઇના ભાણેજ ઉમેશ પરમારની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધી પારસ અને તેના કાકા હરેશની શોધખોળ શરૂ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *