ગોંડલ રોડ ચોકડી ખાતે ઔદ્યોગિક હેતુની જમીનમાં બીએપીએસ મંદિર, પ્રેમવતી રેસ્ટોરન્ટ, 4 રૂમ, ઓફિસ અને ગાર્ડન સહિતનું બાંધકામ કોઇપણ જાતની પરવાનગી વગર કરી નાખવાના વિવાદાસ્પદ પ્રકરણમાં ખુલ્લેઆમ શરતભંગ થતો હોવાનો વધુ એક રિપોર્ટ તાલુકા મામલતદાર તંત્ર દ્વારા સિટી-2 પ્રાંત અધિકારી મહેશ જૈનને મોકલી અપાયો છે.
તાલુકા મામલતદાર તંત્રના સૂત્રોએ જણાવ્યા અનુસાર ગોંડલ રોડ ચોકડી પાસે બીએપીએસ મંદિર અને પ્રેમવતી રેસ્ટોરન્ટ દ્વારા શરતભંગના પ્રકરણમાં નેશનલ હાઇવે ઓથોરિટી પાસે રિપોર્ટ માગ્યો હતો કે નેશનલ હાઇવે પર કેટલું દબાણ થઇ રહ્યું છે, પરંતુ હજુ સુધી રિપોર્ટ આવ્યો ન હોય સિટી-2 પ્રાંત અધિકારી દ્વારા આ પ્રકરણમાં ફરી પૂછપરછ કરવામાં આવી હતી અને અગાઉ કર્યો હતો તે જ રિપોર્ટ ફરી મોકલી અપાયો છે.
બીએપીએસ સંસ્થા દ્વારા 10 હજાર ચો.મી. ઔદ્યોગિક હેતુની જમીનમાં મંદિર અને રેસ્ટોરન્ટ સહિતના બાંધકામો કરવાના પ્રકરણમાં તાલુકા મામલતદારનો રિપોર્ટ આવી જતાં હવે સિટી-2 પ્રાંત અધિકારી મહેશ જૈન કલેક્ટરને રિપોર્ટ કરશે અને ત્યારબાદ કલેક્ટર મંદિરના સત્તાધીશો સામે શરતભંગનો કેસ ચલાવશે.