એક્ટર સૈફ અલી ખાન પરના હુમલાની તપાસ કરી રહેલી મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચે સોમવારે જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલો આરોપી બાંગ્લાદેશમાં કુસ્તી પ્લેયર હતો. પોલીસે રવિવારે આ કેસમાં શરીફુલ ઇસ્લામની ધરપકડ કરી હતી.
પૂછપરછ બાદ ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું હતું કે શરીફુલ ડિસ્ટ્રિક્ટ અને નેશનલ લેવલની કુસ્તી સ્પર્ધામાં ભાગ લઈ ચૂક્યો છે. કુસ્તીનો ખેલાડી હોવાને કારણે શરીફુલ સૈફ પર ભારી પડ્યો. ઘટના પછી તે બસ સ્ટેન્ડ પર સૂઈ ગયો હતો. તેણે થાણે જતાં પહેલાં કપડાં બદલ્યાં. તે વરલીના એક પબમાં કામ કરતો હતો, જ્યાંથી તેને ચોરી કરવા બદલ કાઢી મૂકવામાં આવ્યો હતો. શરીફુલ સપ્ટેમ્બરમાં મુંબઈ આવ્યો હતો.
મુંબઈ પોલીસ સૈફ અલી ખાનના બાંદ્રા સ્થિત ઘરમાં ક્રાઈમ સીનને રિક્રિએટ કરી શકે છે. મોહમ્મદ શરીફુલ ઇસ્લામ શહજાદ નામના આરોપીને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, તપાસના ભાગરૂપે આરોપીને આગામી પાંચ દિવસમાં સતગુરુ શરણ બિલ્ડિંગમાં સૈફના ઘરે લઈ જવામાં આવશે.
પોલીસે જણાવ્યું કે શહેઝાદ 16 જાન્યુઆરીની સવારે ચોરીના ઈરાદે બોલિવૂડ સ્ટારના એપાર્ટમેન્ટમાં ઘૂસ્યો હતો. પ્રાથમિક તપાસમાં તે સીડી દ્વારા બિલ્ડિંગના આઠમા માળે પહોંચ્યો હોવાનું જણાય છે. આ પછી તે પાઇપનો ઉપયોગ કરીને 12મા માળે ચઢી ગયો અને બાથરૂમની બારીમાંથી સૈફના ફ્લેટમાં પ્રવેશ કર્યો.
પોલીસે રવિવારે સવારે એક પ્રેસ-કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આરોપીને શનિવારે રાત્રે 2 વાગ્યે થાણેના લેબર કેમ્પમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આરોપી સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસ્યો હતો, પરંતુ આ જ આરોપીએ સૈફ પર હુમલો કર્યો હતો કે નહીં એનો સ્પષ્ટ જવાબ પોલીસે આપ્યો નથી. જ્યારે મીડિયાએ પૂછ્યું કે ઘટના સમયે તે એકલો હતો કે પછી કેટલાક અન્ય લોકો પણ તેમની સાથે હતા, તો પોલીસે કહ્યું- તપાસ ચાલી રહી છે.
આ પહેલાં શનિવારે પોલીસે છત્તીસગઢના દુર્ગમાંથી એક શકમંદની અટકાયત કરી હતી, પરંતુ તે આ કેસમાં સંડોવાયેલો જણાયો નહોતો, ત્યાર બાદ તેને છોડી મૂકવામાં આવ્યો હતો. પોલીસે અત્યારસુધીમાં 50 જેટલા લોકોની પૂછપરછ કરી છે.