ભારત દેશના જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલાની ઘટનાને ધ્યાને લઈ ભારત સરકારે ભારત દેશમાં ઘુસણખોરી કરતા અન્ય દેશના લોકોને શોધી કાઢી પોતાના દેશમાં પરત મોકલવા અને પોતાના દેશમાં પરત નહીં જનાર ઘુસણખોરી કરતા લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા આદેશ આપેલો છે. જે અન્વયે રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક હિમકરસિંહની નિગરાનીમાં રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં ઘુસણખોરી કરનારા અન્ય દેશોના લોકોને સામે ગંભીરતાપુર્વક કામગીરી કરી શોધી કાઢવા સુચના આપી હતી. જે આધારે જેતપુર દેસાઈ વાડીમાં રાજમા ઉર્ફે મુકતા ઉર્ફે શીલા ડો/ઓ સોફીક ઈસ્લામ શેખ જે મુળ બાંગ્લાદેશના કઈરા (સુંદરવન) ના છે. જ્યારે તેમના પતિ-સુધાંસુ ટેગબહાદુર છેત્રી (રહે. સાલેપાલી, બલાંગીર, રાજય ઓડિશા) નામની વ્યકતી કોઇપણ પ્રકારના વિઝા કે સરકારની મંજુરી વગર ગેરકાયદેસર રીતે રહે છે તેવી હકીકત મળતાની સાથે જ જેતપુર ડિવીઝન સ્કોડના સ્ટાફની ટીમે તપાસ કરતા તે મહિલા મળી આવી હતી. જેથી મહિલાની પુછપરછ કરતા પોતે બાંગ્લાદેશી નાગરીક હોવાની અને કોઈ પણ વિઝા કે ભારત સરકારની મંજુરી વગર અહીં રહેતા હોવાનું જણાવ્યું હતુ. જેથી શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરીકને નજર કેદ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
અન્ય બનાવમાં ગાંધીનગરથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ આજે વધુ એક વખત રાજકોટ જિલ્લામાં ત્રાટકી હતી. આજે જસદણના રહેણાંક મકાનમાં બુટલેગર પિતા-પુત્રોના દારૂના અડ્ડા પર દરોડો પાડીને 15 શખ્સોને ઝડપી લઈ રૂ. 12.68 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જો કે દારૂના ધંધાર્થી પિતા-પુત્ર સહિત 16 શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. જસદણમાં આદમજી રોડ પર આવેલા નદી કાંઠા વિસ્તારમાં રહેતા નરેન્દ્ર રાજેસરા તથા તેના પુત્રો પ્રકાશ નરેન્દ્ર રાજેસરા અને વિપુલ ઉર્ફે મુન્નો નરેન્દ્ર રાજેસરા છેલ્લા કેટલાક સમયથી પોતાના રહેણાંક મકાનમાં દેશી-વિદેશી દારૂનો અડ્ડો ચલાવતા હોવાથી ગાંધીનગર સ્થિત સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી. પરિણામે ગઈકાલે બપોરે ખાનગી રાહે વોચ ગોઠવ્યા બાદ હકીકત જણાતા જ દરોડો પાડયો હતો. પરિણામે દારૂનું વેચાણ કરતાં અને પીવા માટે આવેલા 30 થી વધુ લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. જેમાંથી એસએમસી ટીમે અહીં દારૂ વેચવાની નોકરી કરતાં સુરેશ વિભા માંકોડીયા (ઉ.વ.28), પ્રદીપ વિનુ ચોહલીયા (ઉ.વ.31), હર્ષદ જગદિશ મકવાણા (ઉ.વ.30), અને જયચંદ જેસીંગ રાઠોડ (ઉ.વ.26) ઉપરાંત દારૂ પીવા માટે આવેલા ગ્રાહકો શૈલેષ રમેશ વાળા ઉ.વ.42), વિનુ કરસન પરમાર (ઉ.52), સુભાષ ચંદુ માલવિયા (ઉ.28), રકેન ભીમજીપટેલ (ઉ.26) પ્રસમ પાંડુ પવાર (ઉ.32), બબલુ મોતીલાલ પવાર (ઉ.33), ધર્મેશ ભૂપત ભૂયત ખસીયા (ઉ.24), રવિ વિષ્ણુ રાઠોડ (ઉ.32), જનક ધરમદાસ ખીલજી (ઉ.26), મહેશ ગોવિંદ વાઘેલા (ઉ.29) અને હિમાલય રમેશ વાઘેલા (ઉ.28)ને રંગેહાથ ઝડપી લીધા હતાં. જો કે મુખ્ય સુત્રધાર નરેન્દ્ર રાજેસરા અને તેના પુત્રો પ્રકાશ અને વિપુલ તથા હિતેશ દેવા કુમારખાણીયા તેમજ અન્ય આઠ શખ્સો મળીને કુલ 16 આરોપીઓ નાસી છુટવામાં સફળ રહ્યા હતા.