કમહદી કરાવી પોતાની દીકરીઓ સાથે માઉન્ટ ઓફ ઓલિવ ફરવા આવ્યા છે. આ પહાડી પરથી આખું જેરુસલેમ શહેર દેખાય છે. એવું લાગે કે પેનોરમા ફ્રેમમાં ફોટો જોઈ રહ્યા છો. વ્યવસાયે શેફ કમહદી આરબ મુસ્લિમ છે અને ઈસ્ટ જેરુસલેમમાં રહે છે. યુદ્ધને કારણે તેમની પાસે હવે નોકરી નથી, તેથી પોતાનાં બાળકો સાથે ઓલિવ પર્વત ફરવા આવ્યા છે.
ઇઝરાયેલ-હમાસ યુદ્ધના કવરેજ દરમિયાન ભાસ્કર જેરુસલેમ પહોંચ્યું. શુક્રવારનો દિવસ હતો. શુક્રવાર જેરુસલેમ માટે સૌથી મુશ્કેલ દિવસ હોય છે. સામાન્ય રીતે નમાઝ અદા કર્યા પછી કેટલાક લોકો બહાર આવીને સૂત્રોચ્ચાર કરે છે અને પ્રદર્શન કરે છે. ઘણી વખત આ પ્રદર્શનો હિંસક બની જાય છે અને જેરુસલેમના રસ્તાઓ પર પથ્થરમારો અને હિંસાનાં દૃશ્યો જોવા મળે છે.
અમે અલ-અક્સા મસ્જિદ અને ટેમ્પલ માઉન્ટ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ચારે તરફ ઇઝરાયલી પોલીસનો ભારે બંદોબસ્ત જોવા મળ્યો. અમારા યહૂદી ડ્રાઈવરે સમજાવ્યું કે શુક્રવારે આખું જેરુસલેમ છાવણીમાં ફેરવાઈ જાય છે. દરેક ખૂણે-ખૂણે સશસ્ત્ર ઇઝરાયલી પોલીસ તહેનાત છે અને કડકાઈ વધારવામાં આવી છે.