વીમા ક્લેમ નકારી દેનાર બજાજ આલિયાન્ઝ કંપનીને રૂ.17.50 લાખ વ્યાજ સાથે ચુકવી દેવા ગ્રાહક સુરક્ષા આયોગે હુકમ કર્યો છે.
ગત તા.20-06-2023ના રોજ ફરિયાદીના મિત્ર અશોકભાઇ રાત્રીના સમયે ઘેલા સોમનાથથી જસદણ પરત આવતા હતા ત્યારે કાળાસર ગામ પાસે જંગલી રોઝડું આડું આવતા અશોકભાઇ રાઠોડે કાર પરથી કાબૂ ગુમાવતા પુલની દીવાલ સાથે મર્સિડીઝ કાર અથડાઇ હતી અને ગાડી ટોટલ લોસ થઇ જતા તેમની મર્સિડીઝ કારની વીમા કંપની બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ સમક્ષ ક્લેમ રજિસ્ટર કરાવ્યો હતો, પરંતુ વીમા કંપની દ્વારા આ ક્લેમ મિસ રિપ્રેઝન્ટેશન હોવાનું કારણ આપીને નામંજૂર કરવામાં આવ્યો હતો. જેથી હસમુખભાઇ ભૂરાભાઇ સાયજાએ તેમના એડવોકેટ મારફત રાજકોટ ગ્રાહક સુરક્ષા આયોગ સમક્ષ જરૂરી પુરાવા સાથે તેમજ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદા સાથે રાખીને ફરિયાદ દાખલ કરેલી હતી.
આ કેસમાં ફરિયાદ પક્ષના એડવોકેટની દલીલો ધ્યાનમાં લઇ ગ્રાહક આયોગના પ્રમુખ જજે ફરિયાદીનો દાવો મંજૂર કરી વીમા કંપની બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિ.ને રૂ.17.50 લાખ 6 ટકા વ્યાજ સાથે ચૂકવવા હુકમ કર્યો છે.