રાજકોટની પાયલ હોસ્પિટલમાં મહિલા દર્દીઓના ન્યૂડ વીડિયો ઉતારી, લોકો પાસે રૂપિયા લઇ વાયરલ કરવાના કૌભાંડમાં જેલમાં રહેલા આરોપી પ્રજ્વલ તેલીને મેડિકલના અભ્યાસ માટે મહારાષ્ટ્રમાં યોજાતી એમએચસીઇટીની પરીક્ષા આપવા માટે એડિશનલ સેશન્સ જજ એચ.ડી.પંડ્યાએ 8 દિવસના કામચલાઉ જામીન આપ્યા છે. કોર્ટે માનવતાના ધોરણે આરોપીને મેડિકલમાં અભ્યાસ માટેની એમએચસીઇટી પરીક્ષા આપવી ફરજિયાત હોવાથી રૂ.10 હજારના પર્સનલ બોન્ડ પર 14થી 22 એપ્રિલ સુધી જામીન પર છોડ્યો છે, જામીન પૂરા થતાં આરોપીએ સાબરમતી જેલમા હાજર થવાનું રહેશે.
આરોપી તરફે એડવોકેટ વાય.કે.કોષ્ટીએ રજૂઆત કરી કે, આરોપી 2 વર્ષથી મેડિકલના અભ્યાસ માટે લેવાતી એમએચસીઇટીની પરીક્ષાની તૈયારી કરે છે, આ પરીક્ષા મહારાષ્ટ્રમાં લેવાય છે. આરોપી મહારાષ્ટ્રનો રહેવાસી હોવાથી તેને પરીક્ષા મહારાષ્ટ્રમાં આપવાની છે. આરોપીના માતા-પિતા સરકારી સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં હોઇ, પરિવાર મહારાષ્ટ્રમાં વસે છે. કયાંય ભાગી જાય તેમ નથી. આ પરીક્ષા આરોપીના ભાવિ જીવન માટે ખૂબ મહત્ત્વની છે.