રાજકોટનાં કોટડાસાંગાણીનાં બગદડિયા ગામે સ્થળ પર સગર્ભાની જટિલ પ્રસુતિ કરાઈ

ગુજરાતની 108 સેવા અવિરત લોકોની મદદ માટે કામ કરી રહી છે ત્યારે આજે કોટડાસાંગાણી તાલુકાના બગદડિયા ગામમાં સગર્ભાને પ્રસુતિની પીડા ઉપડયાનો કોલ મળતા એમ્બ્યુલન્સ સાથે ટીમ દોડી ગઈ હતી. આ દરમિયાન મહિલાની હાલત ગંભીર થતા ઘટનાસ્થળ પર જ પ્રસુતિ કરવી જરૂરી હોવાથી યુદ્ધના ધોરણે વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી હતી અને ઇએમટીએ સ્થાનિકોની મદદ અને 108નાં ડોક્ટર સાથે સતત ટેલીફોનિક સંપર્ક દ્વારા સફળ પ્રસુતિ કરાવી છે. જેમાં મહિલાએ બેલડાને જન્મ આપતા માતા સહિત ત્રણને નવજીવન મળ્યું હતું. હાલ માતા અને તેના જોડિયા બાળકો સ્વસ્થ છે.

પ્રાપ્ત વિગત મુજબ મહિલાને પ્રસુતિની પીડા શરૂ થઈ હોવાનો કોલ મળતા નજીકની એમ્બ્યુલન્સને મોકલવામાં આવી હતી. જ્યાં બગદડીયા ગામના વાડી વિસ્તારમાં માતાને અસહ્ય પીડા ઉપડતાં 108 એમ્બ્યુલન્સ સેવામાં ફરજ બજાવતા ઇ.એમ.ટી હાર્દિક કમલેશભાઈ ગોહેલ અને પાઇલોટ અનિલ પરમારને સગભૉની પ્રસુતિ સ્થળ પર કરવી પડે એવી સ્થિતિ જણાઈ હતી. જેથી, યુદ્ધના ધોરણે તમામ પ્રકારની પ્રસુતિને લગતી તૈયારીઓ સ્થળ પર કરી સ્થાનિક બે મહિલાઓનો સહયોગ લઇ સતત 108નાં ડો.પરમાર સાથે સંપર્કમાં રહીને પ્રથમ નવજાત શિશુનો સફળતાપૂર્વક જન્મ કરાવ્યો હતો. બાદમાં અતિ જટિલ પરિસ્થિતિ સર્જાવા છતાં 10 મિનિટ પછી બીજા બાળકનો પણ સફળતાપૂર્વક જન્મ કરાવડાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *