સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બીએ સેમેસ્ટર-1 એક્સ્ટર્નલના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી રહી છે જેમાં શુક્રવારે વૈકલ્પિક વિષય ઇન્ડિયન નોલેજ સિસ્ટમના પેપરમાં વિદ્યાર્થીઓને ગુજરાતીને બદલે ઇંગ્લિશ મિડિયમનું પેપર આપી દેતા વિદ્યાર્થીઓમાં દેકારો બોલી ગયો હતો. પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓએ કહ્યું કે અમે ગુજરાતી મિડિયમના વિદ્યાર્થી છીએ, અંગ્રેજી મિડિયમના પેપરમાં અમને કેવી રીતે સમજ પડે? ત્યારબાદ કેન્દ્રમાંથી યુનિવર્સિટીના પરીક્ષા વિભાગને જાણ કરવામાં આવી હતી અને તાત્કાલિક પેપરને ગુજરાતીમાં અનુવાદ કરીને ફરીથી અપાયું હતું. જો કે જેટલો સમય વેડફાયો હતો એટલો સમય વિદ્યાર્થીઓને વધુ અપાયો હતો.
ઇન્ડિયન નોલેજ સિસ્ટમ હેઠળ વૈકલ્પિક વિષયની પરીક્ષા માત્ર 25 માર્કની લેવામાં આવે છે જેમાં 10-10 માર્કના બે પ્રશ્ન અને 5 માર્કનો એક પ્રશ્ન હોય છે. શુક્રવારે શહેરના જુદા-જુદા 7 કેન્દ્ર પર આશરે 60 જેટલા વિદ્યાર્થીઓની વૈકલ્પિક વિષયની પરીક્ષા લેવામાં આવી હતી. એક્સ્ટર્નલના વિદ્યાર્થીઓએ આ વિષય જાતે જ ભણવાનો હોય છે જેથી વિદ્યાર્થીઓને પણ ખબર ન હતી કે પેપર અંગ્રેજીમાં આવશે કે ગુજરાતીમાં. પરંતુ જ્યારે પેપર હાથમાં આવ્યું ત્યારે ઈંગ્લિશ મિડિયમનું હોવાથી વિદ્યાર્થીઓએ કેન્દ્રના સંચાલકને આ બાબતે જાણ કરી હતી. જો કે બાદમાં પેપર ગુજરાતીમાં અનુવાદ કરીને અપાયું હતું અને પરીક્ષાનો સમય પણ વધારી અપાયો હતો.