જૈન સમાજની આયંબિલ ઓળી વર્ષમાં ચૈત્ર નવરાત્રિ અને આસો મહિનાની નવરાત્રિમાં આવે છે. આસો મહિનાની આયંબિલ ઓળીનો કાલે બુધવારથી પ્રારંભ થશે. નવે નવ દિવસ દરમિયાન તપસ્વીઓ આયંબિલ તપની આરાધના અને ઉપાસના કરશે. તપસ્વીઓ નવ નવ દિવસ સુધી લૂખું- સૂકું તેલ અને સબરસ વગરનો દિવસમાં એક જ વખત આહાર કરી આયંબિલ તપની આરાધના કરતાં હોય છે. આધ્યાત્મિક દૃષ્ટિએ તો તપ કરવાથી અનંતા કર્મોની નિર્જરા થાય છે, પરંતુ આયુર્વેદ અને વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ આયંબિલ તપને આરોગ્ય માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.તેમ જૈન અગ્રણી મનોજભાઈ ડેલીવાળા જણાવે છે.
આયંબિલ ઓળીના નવ દિવસ દરમિયાન નવ પદ એટલે કે નમો અરિહંતાણથી લઈ નમો લોએ સવ્વ સાહૂણં તથા સમ્યક્ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ ધર્મની આરાધના કરતા હોય છે. પ્રભુ મહાવીરે 14 હજાર સાધુ અને 36 હજાર સાધ્વીઓમાંથી ધન્ના અણગારના આયંબિલ તપની પ્રશંસા કરી. ગ્રંથોમાં આયંબિલ તપનું મહત્ત્વ બતાવતાં અનેક પ્રેરક દૃષ્ટાંતો આવે છે જેમાં શ્રીપાલ અને મયણાનું દૃષ્ટાંત સુપ્રચલિત છે. આયંબિલ તપની આરાધના કરવાથી શ્રીપાલની કાયા કંચનવર્ણી બની જાય છે. તેમાં પણ વૈજ્ઞાનિક કારણ રહેલું છે કે, ખોરાકમાં સબરસનું પ્રમાણ ઘટવાથી ચામડીના રોગ મટી શકે છે. તામલી તાપસ અને સુંદરીએ દીર્ઘકાલીન સમય સુધી તપની આરાધના કરેલી. તપના પ્રભાવથી ભરત ચક્રવર્તીના સુંદરી પ્રત્યેના દુષ્ટ ભાવમાં પરિવર્તન આવી ગયેલ. આયંબિલ તપ કરવાથી રસેન્દ્રિય ઉપર વિજય મેળવી શકાય છે.