રાજકોટ જિલ્લામાં સરેરાશ 7 ઇંચ વરસાદ

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ગઈકાલ (30 જૂન) મોડી રાતથી આજે (1 જુલાઈ) ભારે વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ શહેર અને જિલ્લામાં સરેરશ બે ઇંચથી લઈને સાત ઇંચ સુધીનો વરસાદ ખાબકતા ઠેર-ઠેર પાણી ભરાયા હતાં. તો ઉપલેટામાં જળબંબાકારની સ્થિતિ સામે આવી છે. ગ્રામ્યમાં ભારે વરસાદથી નદી-નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે. ધોરાજીના નાની પરબડીની ફુલજર નદી ઓવરફ્લો થતા પાણીમાં પ્રવાહમાં બોલેરો કાર ફસાઇ હોવાના દૃશ્યો સામે આવ્યા છે. પુલ અને કોઝવે ઉપરથી પાણી વહેતા વાહનવ્યવહારને અસર પહોંચી રહી છે. પાટણવાવમાં આવેલા ઓસમ ડુંગરનો સુંદર કુદરતી નજારો સામે આવ્યો છે. ટપકેશ્વર મહાદેવ મંદિરથી ધોધ વહેતો થતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે.

રાજકોટ શહેર અને જિલ્લામાં ગઇકાલે મોડી રાત્રિથી આજે વહેલી સવાર સુધી શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ શહેરમાં વહેલી સવારે 4 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધીમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. જેમાં શહેરના મધ્ય ઝોનમાં 2 ઇંચ, પૂર્વ ઝોનમાં 1 ઇંચ અને પશ્ચિમ ઝોનમાં 2 ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે હજુ પણ શહેર અને જિલ્લામાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ભારે વરસાદને કારણે રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યાં હતા. જેમાં પોપટપરા નાળામાં વરસાદી પાણી ભરાતા આસપાસના વિસ્તારોમાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *