વાનખેડે ખાતે અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયાની મેચ દરમિયાન ક્રિકેટ ચાહકોએ એક ક્રિકેટરની એવી હિંમત જોઈ, જેના પર સરળતાથી વિશ્વાસ ન કરી શકાય. ગ્લેન મેક્સવેલે 201 રનની અણનમ ઇનિંગ રમી હતી.
તે ઈજાગ્રસ્ત થયો હતો, બે વખત ફિઝિયો પાસે આવ્યો હતો, રન બનાવવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યો હતો પરંતુ મેક્સવેલ ન તો રોકાયો કે ન થાક્યો. અફઘાનિસ્તાને 292 રનનો ટાર્ગેટ આપ્યો હતો. મેક્સવેલે આઠમી વિકેટ માટે 202 રનની ભાગીદારી કરી અને 47મી ઓવરમાં મેચ જીતી લીધી.
આ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમે 91 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી કાંગારૂઓનો વિજય અસંભવ જણાતો હતો, પરંતુ મેક્સવેલ અડગ રહ્યો. આ ઇનિંગના આધારે ઓસ્ટ્રેલિયાએ ટુર્નામેન્ટમાં તેનો સૌથી મોટો રન ચેઝ કર્યો હતો, જ્યારે મેક્સવેલે વર્લ્ડ કપ ઈતિહાસમાં રન ચેઝની પ્રથમ બેવડી સદી ફટકારી હતી.
અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું અને 50 ઓવરમાં 5 વિકેટે 291 રન બનાવ્યા. ઓપનર ઇબ્રાહિમ ઝદરાને 129 રનની અણનમ ઇનિંગ રમી હતી.