રાજકુમાર જાટના પિતા અને SPની ઓડિયો-ક્લિપ વાઇરલ

રાજકોટ જિલ્લાના ગોંડલમાં રહેતા રાજસ્થાની યુવકના શંકાસ્પદ મોત બાદ તેમના પિતાએ ગોંડલના પૂર્વ ધારાસભ્યના ઘર પર તેમના માણસો દ્વારા માર મારવાનો આક્ષેપ કર્યો હતો જો કે પોલીસના મતે રાજકુમારનું મોત કોઈના મારના કારણે નહીં, પણ માર્ગ અકસ્માત થયું હોવાનું સામે આવ્યું છે. 14 તારીખે રાજકોટ પોલીસે મહાસાગર ટ્રાવેલ્સની બસના ચાલકને પણ ઝડપી પાડ્યો હતો, જેની ટક્કરના કારણે જ રાજકુમાર જાટનું મોત નીપજ્યું હતું. રાજકુમાર જાટ જ્યારે ગાયબ થયો હતો અને પોલીસ શોધખોળ કરી રહી હતી એ સમયે રાજકોટ ગ્રામ્ય એસપી અને મૃતક રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટ વચ્ચે થયેલી વાતચીતની એક ઓડિયો-ક્લિપ વાઈરલ થઈ છે, જેમાં એસપી રતનલાલ જાટને જણાવી રહ્યા છે કે તમારો છોકરો ટ્રેક થઈ ગયો છે. તમારા દીકરાની માનસિક હાલત સ્થિર નથી. તો બીજી તરફ રતનલાલ જાટ કહી રહ્યા છે કે ગોંડલમાં મારા છોકરાને 15 લોકોએ માર માર્યો, ત્યાર બાદ તેની માનસિક હાલત બગડી છે.

ગત 10 માર્ચના રોજ ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ અને તેમના પુત્ર ગણેશ પર રાજકુમાર જાટ નામના યુવકને માર મારવાનો તેના પિતા રતનલાલ જાટે આક્ષેપો કર્યા હતા. માર માર્યા બાદ રાજકુમાર જાટનો રાજકોટ અમદાવાદ હાઇવે પર તરઘડિયા નજીક ઓવરબ્રિજ પર મૃતદેહ મળ્યો હતો. ત્યાર બાદ મૃતકના પિતાએ જયરાજસિંહ અને તેમના દીકરા પર હત્યાના આક્ષેપો કર્યા હતા તેમજ પોલીસની ભૂમિકા સામે પણ સવાલો ઉઠાવ્યા હતા. આ કેસમાં હવે નવો ઘટસ્ફોટ થયો છે. પોલીસ તપાસમાં મહાસાગર ટ્રાવેલ્સના બસચાલક દ્વારા અકસ્માત કરવામાં આવ્યો હોવાનું સામે આવતાં પોલીસે રમેશ મેર નામના બસચાલકની અટકાયત કરી બસને કબજે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *