સંસદની સુરક્ષામાં મોટી ચૂકની ઘટના સામે આવી છે. આજે લોકસભાની કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે પ્રેક્ષક ગેલરીમાંથી બે વ્યક્તિ કૂદી હતી અને દોડી હતી. એને જોતાં જ સાંસદો ડરી ગયા હતા અને લોકસભામાં અફરાતફરીનો માહોલ બની ગયો હતો. બંને પકડાઈ ગયાં છે. તેમની પાસેથી કલર સ્મોક સેલ મળ્યા છે. તેમણે સંસદમાં ડબ્બો ફેંકીને પીળો ધુમાડો છોડ્યો હતો.
સંસદ પર આતંકવાદી હુમલાની 22મી વરસી પર એ સમયે ગૃહમાં અફરાતફરી મચી ગઈ, જ્યારે બે વ્યક્તિ પ્રેક્ષક ગેલરીમાંથી અચાનક નીચે કૂદી પડી હતી. એ સમયે ભાજપના સાંસદ ખગેન મુર્મુ લોકસભામાં પોતાની વાત રજૂ કરી રહ્યા હતા. બેમાંથી યુવકે પોતાના બૂટમાં સ્પ્રે સંતાડી રાખ્યો હતો.
યુવક ગૃહની બેન્ચ પર કૂદવા લાગ્યો અને આ દરમિયાન ગૃહમાં પીળો ધુમાડો ફેલાઈ ગયો. આખા ગૃહમાં અરાજકતાનું વાતાવરણ હતું. આ પછી સાંસદોએ તેમને ઝડપી લીધા. કોંગ્રેસના સાંસદ ગુરજિત સિંહ ઔજલાએ કહ્યું હતું કે મેં તેમને પહેલા પકડ્યા હત. કેટલાકે તેમને માર પણ માર્યો હતો. આ પછી તેમને સુરક્ષાકર્મીઓને સોંપવામાં આવ્યા હતા. આ જોઈને સ્પીકરે ગૃહની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી.
આ પહેલાં 13 ડિસેમ્બર 2001ના રોજ 5 આતંકીએ જૂની સંસદ ભવન પર હુમલો કર્યો હતો, જેમાં દિલ્હી પોલીસના 5 કર્મચારી સહિત 9 લોકોનાં મોત થયાં હતાં.
ખગેન મુર્મુએ કહ્યું, ‘હું ભાષણ આપી રહ્યો હતો. પછી જમણી બાજુથી અવાજ આવ્યો અને મને ખબર પડી કે કોઈ આવી રહ્યું છે. સામેથી સાંસદો અને સુરક્ષાકર્મીઓ પકડો- પકડોની બૂમો પાડવા લાગ્યા. તેમના હાથમાં કંઈક હતું, જેમાંથી ધુમાડો નીકળી રહ્યો હતો. ગૃહમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. યુવાનો સીધા સ્પીકર તરફ જતા હતા. તેઓ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા કે તાનાશાહી નહીં ચાલે. એ સમયે રાજેન્દ્ર અગ્રવાલ સ્પીકરની ખુરસી પર બેઠા હતા.
4 લોકો હતા, બે સંસદની અંદર અને બે બહાર હતા
કહેવામાં આવી રહ્યું છે કે કાર્યવાહી દરમિયાન જે બે લોકો ઘૂસ્યા એમાંથી એકનું નામ સાગર છે. બંને સાંસદના નામે લોકસભા વિઝિટર પાસ લઈને અંદર ઘૂસ્યા હતા. બે લોકોએ સંસદની અંદર ધુમાડો છોડ્યો તેમજ એક પુરુષ અને એક મહિલાએ સંસદની બહાર પીળો ધુમાડો છોડ્યો. સુરક્ષાકર્મીઓ તેમને પકડીને બહાર લઈ ગયા હતા. આ દરમિયાન આ લોકો નારા લગાવી રહ્યા હતા.