શહેરમાં મોરબી રોડ પર ઉજ્જવલ સોસાયટીમાં સામસામે મારામારી થતાં પિતા-પુત્ર સહિત ત્રણ ઘાયલ થતાં બી-ડિવિઝન પોલીસે તપાસ કરતાં પ્રેમપ્રકરણના મામલે મારામારી થયાનું બહાર આવતા પોલીસે સામસામે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઉજ્જવલ સોસાયટીમાં રહેતા અને માર્કેટિંગ યાર્ડમાં મજૂરીકામ કરતાં અશોકભાઇ હરજીવનભાઇ પંડ્યા (ઉ.51) તેના ઘર પાસે હતા ત્યારે અર્જુન મોઢવાડિયા, દેવ ગઢવી અને ત્રણ અજાણ્યા શખ્સે ઝઘડો કરી ઢીકાપાટુનો માર મારતાં તેને બચાવવા જતાં તેના પુત્ર સચિનને પણ પથ્થરના ઘા ઝીંકી દેતાં બન્નેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યારે સામાપક્ષે મોરબી રોડ પર જમનાપાર્કમાં રહેતો અને ઇમિટેશનની મજૂરીકામ કરતો અર્જુન જોધાભાઇ મોઢવાડિયા (ઉ.23) ઉજ્જવલ પાર્કમાં હતો ત્યારે અશોકભાઇ અને તેના પુત્રએ ધોકા-પાઇપ વડે હુમલો કર્યાની ફરિયાદ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો.
બનાવની જાણ થતાં બી-ડિવિઝન પોલીસ મથકના જમાદાર નરેશભાઇ ખસિયા સહિતે તપાસ કરતાં અગાઉ અર્જુનને સચિનની પત્ની સાથે સંબંધ હોય અને અર્જુનને સચિનના ઘર પાસે બેસવા બાબતે માથાકૂટ થઇ હોવાનું બહાર આવતા પોલીસે ફરિયાદના આધારે પાંચ આરોપી સામે ગુનો નોંધી ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.