રાજકોટના યુનિવર્સિટી રોડ પરના જલારામ-1માં સંગાથ ફ્લેટમાં રહેતા અને મવડી ચોકડી ઇન્દ્રપ્રસ્થ હોલની સામે ઓલી ઉજજીવન સ્મોલ બેંકમાં બ્રાંચ મેનેજર તરીકે ફરજ બજાવતાં શરદ કિશોરભાઇ ભટ્ટે (ઉ.વ.40) માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, શરદ ભટ્ટે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની બેંકની હેડ ઓફિસ પૂણે આવેલી છે, બેંકના કસ્ટમર કેર નંબરમાં કોઇ ગ્રાહક ફરિયાદ કરે તો તે ફરિયાદ પૂણે જાય છે અને ત્યાંથી જે તે બ્રાંચને ફરિયાદ મળે છે.
ગત તા.9 સપ્ટેમ્બરના બેંકના વિજિલન્સ વિભાગના કર્મચારીએ કહ્યું હતું કે, બ્રાંચની બાજુમાં આવેલા એટીએમમાં ફ્રોડ થયાની ફરિયાદ મળી છે, જેથી એટીએમ સેન્ટરના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા, તા.5 સપ્ટેમ્બરના રાત્રીના 8.20 મિનિટે એક અજાણી વ્યક્તિ એટીએમમાં ઘૂસે છે અને તે તેના પેન્ટના ખિસ્સામાથી એક પટ્ટી કાઢી તે પટ્ટી એટીએમ મશીનના રૂપિયા નિકળવાની જગ્યાએ લગાવીદે છે. ત્યારબાદ તે શખ્સ જતો રહે છે.
થોડીવાર બાદ એક મહિલા એટીએમ સેન્ટરે આવે છે અને તે પૈસા વિડ્રો કરવાની પ્રક્રિયા કરે છે પરંતુ પૈસા વિડ્રો થતા નથી અને મહિલા જતાં રહે છે, તા.6ના સવારે 5.44 મિનિટે ફરીથી તે શખ્સ એટીએમ સેન્ટરમાં પહોંચે છે અને તેણે લગાવેલી પટ્ટી કાઢી રૂપિયા લઇને જતો રહે છે, આ શખ્સે આવી રીતે રૂ.500ના દરની 3 ચલણી નોટ મળી કુલ રૂ.1500 કાઢી લીધા હતા.