શહેરના 150 ફૂટ રિંગ રોડ પર બિગબજારની સામે આવેલા એટલાન્ટિસ એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે લાગેલી આગમાં ત્રણ યુવકનાં મોત નીપજ્યા હતા, અા ઘટનાને અઠવાડિયું વીતી ગયું છે છતાં પોલીસે ગુનો નોંધવાની કાર્યવાહી નહી કરતાં અનેક સવાલો ઉઠી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના માટે એટલાન્ટિસ એપાર્ટમેન્ટનું એસોસિએશન જવાબદાર હોવાનો ધડાકો તપાસમાં થયો છે, એસોસિએશનમાં કોઇ એક વ્યક્તિ માત્ર જવાબદાર છે કે તમામ સભ્યો તે બાબત સોમવાર સુધીમાં સ્પષ્ટ થઇ જશે અને તે સાથે જ આ મામલે જવાબદાર સામે ગુનો નોંધાશે.
એટલાન્ટિસ એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે તા.14ને ધુળેટીની સવારે અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી અને આગમાં સ્વીગીના ડિલિવરીમેન અજય ખીમજીભાઇ મકવાણા તથા બ્લિંકિટના ડિલિવરીમેન મૂળ ઊના પંથકના અને રાજકોટ રહેતા કલ્પેશ પીઠાભાઇ લેવા (ઉ.વ.29) તથા તેના ભત્રીજા મયૂર વિનુભાઇ લેવા (ઉ.વ.19)નું દાઝી જવાથી મોત નીપજ્યું હતું. આગની દુર્ઘટના બની ત્યારે સ્થળ પર પહોંચેલી ફાયરબ્રિગેડે તપાસ કરતાં બિલ્ડિંગમાં જે હાઇડ્રોલિક ફાયર સિસ્ટમ લગાવવામાં આવી હતી તે કામ કરતી નહોતી, તેમજ બિલ્ડિંગને ફાયર એનઓસી પણ નહોતું.
આ અગ્નિકાંડ માટે કોની જવાબદારી છે તે સ્પષ્ટ કરવા ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવાએ મહાનગરપાલિકાના ફાયર અને ટાઉનપ્લાનિંગ વિભાગને પત્ર લખી માહિતી માગી હતી.ડીસીપી બાંગરવાએ શનિવારે કહ્યું હતું કે, બિલ્ડિંગનો વહીવટ બિલ્ડરે એસોસિએશનને સોંપી દીધો હતો અને એસોસિએશને લાપરવાહી દાખવતા આ દુર્ઘટના સર્જાઇ હતી, એસોસિએશને કોઇ હોદ્દેદારને સમગ્ર સત્તા સોંપેલી છે કે એસોસિએશનના તમામ સભ્યો કોઇપણ નિર્ણય માટે જવાબદાર હોય છે તે સ્પષ્ટ કરવા પોલીસે ફરીથી મનપા પાસેથી વિગતો મગાવી છે અને તે વિગતો સોમવાર સુધીમાં મળી જશે, માહિતી મળ્યે જેની જવાબદારી નક્કી થશે તેની સામે ગુનો નોંધવામાં આવશે.