રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મંગળવારે બપોરે આશા વર્કર્સ ઊમટી પડ્યા હતા અને આશા વર્કરોને રૂ.18થી 24 હજાર સુધીનું દર મહિને વેતન ચૂકવવા અને બાકી વેતન તેમજ ઇન્સેન્ટિવની રકમ ચૂકવવા માગણી કરી હતી. તેમજ વિવિધ પડતર પ્રશ્નો સહિત 14 મુદ્દાનું આવેદનપત્ર એડિશનલ કલેક્ટરને પાઠવ્યું હતું.
આવેદનપત્રમાં એવી રજૂઆત કરી હતી કે, ગુજરાત રાજ્ય આશા કર્મચારી સંઘ દ્વારા જણાવવાનું કે ગત તા.13-07-2024ને શનિવારના રોજ આશાની પ્રદેશ કારોબારીની બેઠક અમદાવાદ પ્રદેશ કાર્યાલય ખાતે રાખવામાં આવી હતી. જેમાં ભારતીય મઝદૂર સંઘના પ્રદેશ અધ્યક્ષ અને આશા કર્મચારી સંઘના પ્રદેશ પ્રભારીની હાજરીમાં સર્વાનુમતે નિર્ણયો કરાયા હતા. ત્યારબાદ ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં સરકાર તરફથી કોઇ યોગ્ય નિર્ણય લઇ સમાધાન કરેલ નથી. તેના અનુસંઘાને રાજ્યના તમામ જિલ્લા મથકે જિલ્લા કલેક્ટર દ્વારા રાજ્યના આરોગ્ય મંત્રી અને કેન્દ્રીય આરોગ્ય મંત્રીને આવેદન દ્વારા પ્રશ્નો મોકલવા નક્કી કર્યું છે.