રાજકોટમાં હાલ ઉનાળો શરૂ થઈ ચૂક્યો છે. તાપમાનનો પારો હાલ ઉંચકાઈ રહ્યો હોવાથી કોર્પોરેશનનો આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે. ગરમીમાં વધારો થતાં હાલ લુ લાગવાથી બચવા માટે સૂચનો જાહેર કરવામાં આવ્યા છે. તેમજ આરોગ્ય કેન્દ્રોમાં ORS સહિતની વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વાકાણીએ લોકોને બપોરના સમયે બિનજરૂરી બહાર નહીં નિકળવા સલાહ આપી છે. કોઈપણ ઇમરજન્સી માટે નજીકના આરોગ્ય કેન્દ્રોનો સંપર્ક કરવા જણાવ્યું છે.
મનપાનાં આરોગ્ય અધિકારી ડો. જયેશ વાકાણીનાં જણાવ્યા મુજબ હજુ રાજકોટમાં એટલી બધી ગરમી વધી નથી, પરંતુ આગામી દિવસોમાં આ ગરમી વધે તેવી પૂરેપૂરી શક્યતાઓ પણ છે. જ્યારે રાજ્યના હવામાન વિભાગ દ્વારા અલગ અલગ શહેરોમાં વધતા તાપમાનને લઈને યલ્લો, ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવતા હોય છે. એવામાં જ્યારે તાપમાનમાં વધારો થાય ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા પણ એડવાઈઝરી જાહેર કરવામાં આવતી હોય છે. જ્યારે આપણે રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં તાપમાન હજુ એટલું બધું જોઈએ તેટલું વધ્યું નથી, પરંતુ છેલ્લા ત્રણ-ચાર દિવસથી રાજકોટમાં લોકો ભારે ગરમીનો સામનો કરી રહ્યા છે. જેના કારણે હજુ રાજકોટમાં હીટવેવની સ્થિતિનું હજુ સુધી નિર્માણ થયું નથી, પરંતુ આગામી દિવસોમાં હજુ પણ તાપમાન વધવાની શક્યતા છે.
આ અંગે માહિતી આપતા ડો. જયેશ વાકાણીએ જણાવ્યું હતું કે, આ પ્રકારના તાપમાન દરમિયાન બપોરે 12 થી 3 સુધી લોકોએ કામ સિવાય ઘરની બહાર જવાનું ટાળવું જોઈએ. કારણ કે આ સમય દરમિયાન સૂર્યના સીધા કિરણો જમીન ઉપર પડતા હોય છે. જેના કારણે જે તાપમાન છે તે તાપમાન કરતાં બે થી ત્રણ ડિગ્રી વધુ તાપમાન આપણું શરીર અનુભવ કરતું હોય છે. જેના કારણે હીટ સ્ટ્રોકનો શિકાર લોકો થતા હોય છે. જેમાં ઘણી વખત લોકો રસ્તા ઉપર બેભાન થઈને પડી જાય છે. જેના કારણે અન્ય અકસ્માત થવાની પણ સંભાવનાઓ વધી જતી હોય છે.