પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે લીધેલા એક્શનથી બોખલાયેલા પાકિસ્તાને પોતાની એરસ્પેસ બંધ કરી દીધી છે. તેના કારણે એર ઈન્ડિયા અને ઈન્ડિગોની ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પર અસર પડી છે. નોર્થ અમેરિકા, બ્રિટન, યુરોપ અને પશ્ચિમ એશિયા જનારી તેની કેટલીક ફ્લાઈટ્સ હવે લાંબા રસ્તેથી જશે. અગાઉ આ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટમાં કોઈ મેડિકલ કે ટેક્નિકલ ઈમર્જન્સી સર્જાય તો કરાચી એરપોર્ટ પર ઉતરતી હતી પરંતુ હવે પાકિસ્તાન એરસ્પેસ બંધ થતા સૌથી નજીક રાજકોટનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ થાય છે. તેથી રાજકોટના એરપોર્ટને આગામી આદેશ ન થાય ત્યાં સુધી 24 કલાક ચાલુ રાખવા આદેશ કરાયો છે.
પાકિસ્તાને તેની એરસ્પેસ બંધ કરતા હવે દિલ્હી, લખનૌ, જયપુર, ચંદીગઢ અને અમૃતસર જેવા શહેરોથી યુરોપ, અમેરિકા અને પશ્ચિમ એશિયા જતી ફ્લાઈટ્સને ગુજરાત કે મહારાષ્ટ્રના રસ્તે અરબ સાગર તરફ વળવું પડશે. જેના કારણે ઉડાનનો સમય સરેરાશ 70થી 80 મિનિટ વધી જશે. તેનાથી ભારતીય એરલાઈન્સ પર ઈંધણનો ખર્ચ વધી જશે અને તેનાથી તેમને ખોટ જશે. હાલ માત્ર ઈન્ડિગો ફ્લાઈટ માટે રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને વૈકલ્પિક વ્યવસ્થા તરીકે 24 કલાક ચાલુ રાખવા સૂચના આપવામાં આવી છે. વિદેશ જતી ફ્લાઈટમાં કોઈ મેડિકલ ઈમર્જન્સી સર્જાય અથવા ફ્લાઈટમાં કોઈ ટેક્નિકલ ખામી સર્જાય તો તે ફ્લાઈટ હવે કરાચીને બદલે રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતરાણ કરશે.
હાલ રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર રાત્રે 8.30 સુધી તો ફ્લાઈટની અવરજવર ચાલુ જ રહેતી હોય છે પરંતુ હાલ ભારત-પાકિસ્તાન વચ્ચે તનાવભર્યા વાતાવરણમાં પાકિસ્તાન એરસ્પેસ જ્યારે બંધ છે ત્યારે રાજકોટના એરપોર્ટને 24 કલાક ધમધમતું રાખવા સૂચના આપવામાં આવી છે. દિલ્હી-મુંબઈ કે અન્ય શહેરોમાંથી જતી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ હવે કોઇપણ મેડિકલ કે ટેક્નિકલ ઈમર્જન્સીમાં રાજકોટ એરપોર્ટ પર ઉતરાણ કરી શકશે. અર્ધી રાત્રે પણ કોઈ ફ્લાઈટ લેન્ડિંગ કે ટેકઓફ કરી શકે તેના માટેની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.