2016માં ઉરી હુમલા પછી, ભારતમાં પાકિસ્તાની કલાકારોને લઈને વિવાદ શરૂ થયો હતો. આ કારણે ડિરેક્ટરો પાકિસ્તાની કલાકારોની બોલિવૂડમાંથી બાદબાકી કરવા લાગ્યા. પરંતુ પાકિસ્તાની એક્ટર ફવાદ ખાન ‘અબીર ગુલાલ’ ફિલ્મથી બોલિવૂડમાં વાપસી કરી રહ્યો છે. હવે આ બાબતે ચર્ચા શરૂ થઈ ગઈ છે. સની દેઓલ, ફિલ્મ ‘જાટ’ માટે સમાચારમાં છે. આ દરમિયાન તેમને પૂછવામાં આવ્યું કે તેમનો આ બાબતે શું અભિપ્રાય છે? ફવાદ ખાનની વાપસી પર નિવેદન આપતાં સની દેઓલે કહ્યું કે- દરેક જગ્યાએ એકતા અને તક હોવી જોઈએ.
HT સિટી સાથે વાત કરતા સની દેઓલે કહ્યું, જુઓ, હું રાજકારણમાં પડવા નથી માગતો કારણ કે ત્યાંથી જ વસ્તુઓ ખોટી થવા લાગે છે. અમે એક્ટર છીએ, અમે દુનિયાના દરેક ખૂણાના લોકો માટે કામ કરીએ છીએ. કોઈ જુએ કે ન જુએ, અમે બધા માટે છીએ. તેમણે વધુમાં કહ્યું- આજની દુનિયા વૈશ્વિક બની ગઈ છે, અને આપણે વધુ દેશોને જોડવા જોઈએ. આ સાચો રસ્તો છે.
એક્ટ્રેસ અમીષા પટેલે પણ આ મામલે ફવાદનું સમર્થન કર્યું છે. તેણે કહ્યું, મને પહેલા પણ ફવાદ ખાન ગમતો હતો. આપણે દરેક એક્ટર અને દરેક મ્યુઝિશિયનનું સ્વાગત કરીએ છીએ. આ ભારતની સંસ્કૃતિ છે, અને કલા તો કલા જ છે. હું તેમાં ભેદભાવ રાખતી નથી. આંતરરાષ્ટ્રીય કલાકારોનું સ્વાગત કરવું જોઈએ. વિશ્વભરના કલાકારોનું સ્વાગત છે.