શેરબજાર નિયમનકાર સેબીએ બોલિવૂડ એક્ટર અરશદ વારસી તેમની પત્ની અને તેમના ભાઈ પર સિક્યોરિટીઝ માર્કેટમાંથી એક વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે. અરશદ વારસી ઉપરાંત, સેબીએ 58 અન્ય લોકોને પણ બજારમાંથી પ્રતિબંધિત કર્યા છે. સેબીનું કહેવું છે કે- આ લોકો બજારમાં ‘સ્કેમ’ની પ્રવૃત્તિઓમાં સામેલ હતા.
આ કાર્યવાહી સાધના બ્રોડકાસ્ટ લિમિટેડના પંપ અને ડમ્પ વેચાણના કિસ્સામાં કરવામાં આવી છે, જેમાં મનસ્વી રીતે શેરની કિંમત વધારીને અને તેને વધુ કિંમતે વેચીને રોકાણ કરવામાં આવ્યું હતું. આ કિસ્સામાં સેબીએ તેનો અંતિમ નિર્ણય જાહેર કર્યો છે. સેબીએ સાત લોકોને 5 વર્ષ માટે અને 54 લોકોને એક વર્ષ માટે સિક્યોરિટીઝ માર્કેટમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો છે. કંપનીનું નામ હવે બદલીને ક્રિસ્ટલ બિઝનેસ સિસ્ટમ લિમિટેડ રાખવામાં આવ્યું છે.
અરશદ વારસીએ શેર બજારમાં કર્યો ‘સ્કેમ’ સેબી દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે- અરશદ વારસી અને અન્ય લોકોએ મનીષ મિશ્રા નામના વ્યક્તિ સાથે મળીને સાધના બ્રોડકાસ્ટ વિશે નકલી હકારાત્મક વાતાવરણ બનાવ્યું હતું અને રોકાણકારોને તેના શેર ખરીદવા માટે લલચાવવાનો પ્રયાસ કર્યો હતો. સેબીએ આરોપ લગાવ્યો હતો કે એક્ટર જાણતા હતા કે મિશ્રા શેરમાં સ્ટ્રક્ચર્ડ ટ્રેડ કરી રહ્યા છે. જોકે, એક્ટરની પત્ની અને ભાઈએ દાવો કર્યો છે કે તેઓ શેરબજારમાં નવા છે અને તે આનાથી વાકેફ નથી.