રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કમઢિયા સરકાર તરીકે ઓળખાતા ધવલ ભુવાજી સહિત 7 લોકો જુગાર રમતા ઝડપાયા છે. રાજકોટ ગ્રામ્ય LCB ટીમે લોધિકા તાલુકાના રાવકી ગામે વાડી વિસ્તારમાં દરોડો પાડી ભુવાજી સહિત 7 લોકોને જુગાર રમતા ઝડપી પાડી તેમની પાસેથી કુલ 16.35 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ ગ્રામ્ય LCB પીઆઇ વી.વી.ઓડેદરા સહિતની ટિમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના રાવકી ગામની સીમમાં ખોડા બાબુભાઈ ફાચરાની વાડીના મકાનમાં કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા છે. જેથી ચોક્કસ બાતમી મળતા સ્થળ પર દરોડો પાડી પોલીસ દ્વારા કુલ 7 લોકોને જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાં પોલીસે સૌરાષ્ટ્રમાં જાણીતા અને ભુવાજી તરીકે ઓળખાતા ધવલ ગેડીયા સહિતના સાત શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.