કેરળમાં સેનાના જવાન પર હુમલો, મારપીટ બાદ પીઠ પર ‘PFI’ લખ્યું

કેરળના કોલ્લમમાં 6 અજાણ્યા લોકોએ કથિત રીતે સેનાના એક જવાન પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ જવાનની પીઠ પર ‘PFI’લખ્યું હતું. આર્મીમેન શાઇનકુમાર દ્વારા દાખલ કરાયેલી ફરિયાદ અનુસાર આ ઘટના રવિવારે રાત્રે તેમના ઘરની પાસે આવેલા રબરના જંગલમાં થઇ હતી. સૈન્યના જવાને આરોપ લગાવ્યો હતો કે તેમના હાથને ટેપથી બાંધવામાં આવ્યા હતા અને તેમની પીઠ પર પેઇન્ટથી પીએફઆઇ લખવામાં આવ્યું હતું.

પીએફઆઇનો અર્થ પ્રતિબંધિત ઇસ્લામિક સંગઠન ‘પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા’ હોઈ શકે છે, પરંતુ પોલીસ તરફથી તેની કોઇ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. આ ઘટના એ દિવસે સામે આવી હતી જ્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઇડી) પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ પ્રતિબંધિત પીએફઆઇની તપાસના સિલસિલામાં કેરળમાં અનેક ઠેકાણાંઓ પર દરોડા પાડ્યા હતા. રિપોર્ટ અનુસાર આ મામલે ભારતીય દંડસંહિતાની કલમ 143 (ગેરકાયદે ભેગા થવું) , 147 (રમખાણ), 323 (ઇરાદાપૂર્વક ઇજા પહોંચાડવી, 341 (ખોટી રીતે રોકવા) અને 153 (હિંસા ભડકાવવાના ઇરાદાથી ઉશ્કેરવું) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. PFI (પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા) પ્રતિબંધિત ઇસ્લામિક સંગઠન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *