છેલ્લા કેટલાક સમયથી ભારતમાં જુદાં-જુદાં એરપોર્ટ પર ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી રહી છે ત્યારે આજે ફરી એક વખત દિલ્હીથી મુંબઈ જતી અકસા એરલાઈન્સની ફ્લાઈટ QP 1719ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમર્જન્સી લેન્ડિંગ કરાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ અમદાવાદ, દિલ્હી સહિતનાં જુદાં-જુદાં એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. છેલ્લા બે દિવસ દરમિયાન પણ ફ્લાઇટને આ પ્રકારની ખોટી ધમકીઓ મળી ચૂકી છે. જેમાં ગઈકાલે વારાણસીથી દિલ્હી જતી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ફોન કોલ આવ્યો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા ફોન કરનારને ઝડપી પાડવામાં આવ્યા હતા. પરંતુ, આ ઘટના વારંવાર થઈ રહી હોવાથી તંત્ર સજાગ બન્યું છે.