રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલા એલઆઇજી કેટેગરીના અને ઇડબલ્યુએસ-2 કેટેગરીના 181 આવાસ માટે ફોર્મ ભરવાની મુદતમાં તા.15 મે સુધી વધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 181 આવાસ સામે 2600 જેટલી અરજીઓ આવી ચૂકી છે, પરંતુ જે લાભાર્થીઓ અરજી કરવામાં ચૂકી ગયા હોય તેને લાભ મળે તે માટે મનપાએ મુદત લંબાવી છે.
રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડિયા અને ઇ.ચા.મ્યુનિસિપલ કમિશનર પ્રભવ જોષીએ એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલ અને ખાલી પડેલ, શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલ LIG કેટેગરીના 137 આવાસ તથા EWS-2 કેટેગરીના 44 આવાસ માટે ફોર્મ તા.02/04 થી તા.01/05 સુધી રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ www.rmc.gov.in પર જઇ ઓનલાઇન ભરવાના ચાલુ છે.
બન્ને યોજના LIG કેટેગરીના તથા EWS-2 કેટેગરીના ફોર્મ ભરવાની મુદત તારીખ 15/05 સુધી લંબાવામાં આવેલ છે. આ માટે અરજી કરનારે ઓનલાઇન ફોર્મ ફી રૂ.50 ભરવાની રહેશે તેમજ નિયમાનુસાર ડિપોઝિટ ભરપાઇ કરવાની રહેશે. ફોર્મ તેમજ ફોર્મની ફી અને ડિપોઝિટ ભરવાની સમગ્ર પ્રક્રિયા ફકત અને ફકત ઓનલાઇન જ રહેશે.