રેશનકાર્ડમાં ઈ-કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે. જેને કારણે પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ મામલતદાર કચેરીમાં અરજદારોનો ધસારો વધી રહ્યો છે. ઈ-કેવાયસી નહિ થતાં અનેક અરજદારો મળવાપાત્ર અનાજ- પુરવઠાથી પણ તેઓ વંચિત રહે છે. આ ઉપરાંત અનેક ધક્કા ખાવા છતાં ઈ-કેવાયસી નહિ થતાં અરજદારોને ધરમના ધક્કા થઈ રહ્યા છે. જ્યાં ઈ-કેવાયસીની કામગીરી થાય છે ત્યાં અરજદારો સવારથી જ આવી જાય છે, ત્રણથી ચાર વખત ધક્કા થાય છે. આમ છતાં કામ થતું નથી. લોકોને પરત ફરવું પડે છે. સર્વર બંધ હોવાના, ધીમું ચાલવાના તેમજ વીજપુરવઠો ખોરવાઈ ગયો છે એટલે આજે કામ નહિ થાય તેવા જવાબો મળી રહ્યા છે. આ સિવાય કયા દસ્તાવેજો રજૂ કરવાના છે તેની પણ પૂરતી જાણકારી નહિ મળતાં પણ અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
અરજદારોના જણાવ્યાનુસાર ઈ-કેવાયસીની જે કામગીરી કરવાનો સમય વધારવામાં આવે તે જરૂરી છે.આ ઉપરાંત રેશનકાર્ડની દુકાને પણ ઈ-કેવાયસીની કામગીરી શરૂ કરવામાં આવે તેવી માગણી ઊઠી છે. તેમજ એક વિભાગથી બીજા વિભાગ સુધી ધક્કા ખાવા પડે છે.જેને કારણે આવવા-જવા માટે સમય અને આર્થિક ખર્ચ બન્નેનો માર લાગે છે. જો આ પ્રક્રિયા સરળ કરવામાં આવે તો પણ લોકો કરી શકે. તેમજ ઝોનલ ઓફિસમાં અધિકારી અને કર્મચારીઓનો સ્ટાફ વધારવામાં આવે તેવી માગણી લોકોમાં ઊઠી છે.