APK ફાઈલ મોકલી ગઠિયાએ રિટાયર્ડ કર્મચારીના રૂ.5.66 લાખ ઉસેડી લીધા

રાજકોટ શહેરમાં સાયબર ક્રાઈમનો વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાજકોટના રૈયા રોડ પર રહેતા અને નિવૃત્ત જીવન જીવતા એક વૃદ્ધને બેંકના કર્મચારી તરીકે ઓળખ આપી સાયબર માફિયાઓએ તેમનું બેંક એકાઉન્ટ ખાલી કરી નાખ્યું છે. ગઠિયાઓએ માત્ર એક APK ફાઈલ મોકલીને વૃદ્ધના મોબાઈલનો કબજો મેળવ્યો અને ચાર અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ ₹5,66,834ની છેતરપિંડી આચરી છે. સાયબર ક્રાઇમ પોલીસે મોબાઇલ નંબર અને ખાતા ધારક સહિતના સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સમગ્ર ઘટનાક્રમ: કેવી રીતે જાળ બિછાવી? સુભાષનગરમાં ઓમ એપાર્ટમેન્ટમાં ફ્લેટ નં.302માં રહેતા ફરિયાદી હિતેશભાઈ લલિતભાઈ ધોળકિયા (ઉ.વ.60), જેઓ જિલ્લા પંચાયતમાંથી નિવૃત્ત થયા છે, તેમને ગત 23 ઓક્ટોબરના રોજ એક અજાણ્યા નંબર (+91 9341258447) પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ એક્સિસ બેંકના કર્મચારી તરીકે આપી હતી અને જણાવ્યું હતું કે ‘તમારું KYC અપડેટ કરવાનું બાકી છે’.

APK ફાઈલ ડાઉનલોડ કરાવી ડેટા ચોર્યો ગઠિયાએ હિતેશભાઈને વિશ્વાસમાં લઈ વોટ્સએપ પર એક APK ફાઈલ મોકલી હતી અને તેમાં આધારકાર્ડ તેમજ ડેબિટ કાર્ડની વિગતો ભરવા જણાવ્યું હતું. આ ફાઈલ ડાઉનલોડ કરતાની સાથે જ સાયબર ઠગોએ તેમના મોબાઈલનો એક્સેસ મેળવી લીધો હતો. ત્યારબાદ ઓવરડ્રાફ્ટ સુવિધાના બહાને તેમની ફિક્સ ડિપોઝિટ (FD) પણ તોડાવી નાખી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *