ગુજરાત સરકાર દ્વારા સરકારી શાળાના વિદ્યાર્થીઓને પણ સ્માર્ટ ક્લાસ અને કોમ્પ્યુટર લેબનો લાભ મળે તે માટે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે. જોકે તેમાં રાજકોટ જિલ્લામાં પ્રાથમિક અને માધ્યમિકની 1,122 શાળાઓમાંથી 276 શાળાઓમાં વિદ્યાર્થીઓને સ્માર્ટ ક્લાસ મળ્યા નથી. જ્યારે 492 શાળાઓમાં વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર લેબનો લાભ મળ્યો નથી. વર્ષ 2017માં શરૂ થયેલા આ પ્રોજેક્ટના 8 વર્ષ વીત્યા બાદ પણ રાજકોટ સહિત ગુજરાત રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં આ પ્રોજેક્ટનું 100 ટકા અમલીકરણ થઈ શક્યું નથી. જેનું કારણ વિદ્યાર્થીઓની ઓછી સંખ્યા છે અને સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની ઘટતી જતી સંખ્યા એ સરકારની નિષ્ફળતા સાબિત કરે છે.
રાજકોટના ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે જણાવ્યું હતુ કે, ગુજરાત સરકારનો જ્ઞાનકુંજ પ્રોજેક્ટ વિદ્યાર્થીલક્ષી પ્રોજેક્ટ છે. રાજ્યની ધોરણ 6 થી 8 ની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને સ્માર્ટ ક્લાસ આધારિત શિક્ષણ મળી રહે તે માટેનો રાજ્ય સરકારનો પ્રોજેક્ટ છે. સામાન્ય રીતે ખાનગી શાળાઓમાં સ્માર્ટ ક્લાસ જોવા મળતા હોય છે પરંતુ સરકારી શાળાઓના વિદ્યાર્થીઓને પણ સ્માર્ટ ક્લાસનો લાભ મળી રહે તે માટેનો જ્ઞાનકુંજ પ્રોજેક્ટ છે.
રાજકોટ જિલ્લાની વાત કરીએ તો અહીં 845 શાળાઓમાંથી 649 શાળાઓના 1984 ક્લાસરૂમને સ્માર્ટ ક્લાસ બનાવવામાં આવેલા છે. જે 196 શાળાઓ બાકી રહી જાય છે તેમાં ધોરણ 1 થી 5 ની શાળાઓ હોય અને વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોય તો ત્યાં સ્માર્ટ ક્લાસ પહોંચ્યા નથી. હાલ અમારો પ્રયત્ન એ છે કે રાજ્ય સરકારની વિવિધ સ્કીમો અને જિલ્લા પંચાયતની સ્વભંડોળની ગ્રાન્ટમાંથી પણ બાકીની શાળાઓને આવરી લેવાનો પ્રયત્ન છે.
જ્યારે 277 જેટલી સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓ છે. જેમાંથી 197 શાળાઓમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અમલીકરણમાં છે. બાકીની 80 શાળાઓ છે જેમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવાને કારણે પ્રોજેક્ટનો લાભ મળ્યો નથી. ધોરણ 6 થી 8 ની શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા 50 કરતા ઓછી સંખ્યા હોય અને માધ્યમિક શાળાઓમાં 90 કરતા ઓછી સંખ્યા હોય તેવી શાળાઓને જ્ઞાનકુંજ પ્રોજેક્ટનો લાભ મળતો નથી.