ગુજરાત વિધાનસભાના ત્રિદિવસીય ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ થયો છે. આ સત્રનો પ્રારંભ વંદે માતરમ ગાનથી કરવામાં આવ્યો હતો. લોકસભા ચૂંટણી અને વિધાનસભાની પેટાચૂંટણી બાદ પ્રથમ વખત સત્ર મળી રહ્યું છે. વિધાનસભા ગૃહમાં ગેરહાજર અને વિદેશમાં રહેતા શિક્ષકો તથા ચાંદીપુરાનો મુદ્દો ગુંજ્યો હતો. તેમજ સત્ર શરૂ થયા પહેલાં કોંગ્રેસે વિરોધપ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન તેમણે ‘બંધ કરો ભાઈ બંધ કરો લોકશાહીની હત્યા બંધ કરો’ના સૂત્રોચ્ચાર કર્યા હતા. જ્યારે બપોર બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભામાં અંધશ્રદ્ધાવિરોધી બિલ રજૂ કર્યું હતું. અંધશ્રદ્ધાનું આચરણ કરનાર, કરાવનાર કે દુષ્પ્રેરણા આપનારને સજા થશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત પહેલા મહારાષ્ટ્ર, કર્ણાટક, ઓડિશા, રાજસ્થાન, છત્તીસગઢ અને આસામમાં અંધશ્રદ્ધા નિર્મૂલન સંબંધિત કાયદા અમલમાં છે. આમ આ પ્રકારનો કાયદો બનાવનારું ગુજરાત છઠ્ઠું રાજ્ય બન્યું છે.