શહેરમાં બીએસએનએલમાં ફરજ બજાવતા મહિલા અધિકારી સાથે શેરબજારમાં રોકાણ કરવાના બહાને 55 લાખની છેતરપિંડીના બનાવમાં સાયબર ક્રાઇમ પોલીસે રાજસ્થાનથી વધુ એક શખ્સને પકડી લઇ વિશેષ કાર્યવાહી કરી છે.અગાઉ આ ગુનામાં સાયબર ક્રાઇમ પોલીસે ચાર શખ્સની ધરપકડ કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પંચનાથ પ્લોટમાં રહેતા અને બીએસએનએલ કંપનીના મહિલા અધિકારી બેલાબેન વૈદ્યના મોબાઇલમાં ફેસબુકમાં સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરી ત્રણ માસમાં 500 ટકા રિટર્નની જાહેરાત જોઇ હતી. જેમાંથી ફ્રેગ એમવે નામની એપ ઇન્સ્ટોલ કરી હતી અને આઇડી પાસવર્ડ મળ્યા હતા અને શેરબજારમાં રોકાણ કરવા માટે વિવિધ એકાઉન્ટમાં રૂ.55.94 લાખ ભર્યા હતા.
જ્યારે સામે વાળાએ રૂ.1.94 લાખ પરત આપી વિશ્વાસ કેળવ્યો હતો બાદમાં એપ્લિકેશનમાં પ્રોફિટ સાથે 3 કરોડ કાઢવા માટે પ્રોસેસ કરી હતી, પરંતુ કોઇ નાણાં પરત નહીં મળતા ફરિયાદ કરી હતી. સાયબર ક્રાઇમ પોલીસે અગાઉ દિનેશ રમેશભાઇ રાદડિયા, જેનિશ ભાણકુ ગરાણિયા, મુસ્તાક અલી મોહમદ સફી અને લુમ્બસિંઘ માધુસિંઘ રાવતની ધરપકડ કરી હતી. બનાવમાં વધુ એક આરોપી રૂપરેશ ગજાનંદ શર્માનું નામ ખૂલતા સાયબર ક્રાઇમની ટીમે રાજસ્થાનથી રૂપરેશને ઝડપી લઇ તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી કરી છે.