રાજકોટ શહેર ભાજપના 3 મહામંત્રી સહિતનું નવું માળખું ગણતરીના દિવસોમાં જાહેર થઇ જવાનું હતું, પરંતુ કેટલાક જિલ્લાઓમાં શક્તિ કેન્દ્ર સહિતના સંગઠનના માળખા તૈયાર નહીં હોવાથી તે પૂર્ણ થયા બાદ નવી ટીમની રચના કરવાનો પ્રદેશથી આદેશ થયો છે. બીજીબાજુ પ્રદેશ ભાજપના નવા પ્રમુખ જાહેર થઇ જશે ત્યારબાદ શહેરનું નવું સંગઠન રચાશે તેવા પણ નિર્દેશો મળી રહ્યાં છે.
રાજકોટ શહેર ભાજપને પ્રમુખ મળી ગયાના ત્રણેક મહિના વીતી ગયા છે, પરંતુ તેમની ટીમની રચના કરવામાં અનેક વિઘ્ન આવી રહ્યાં છે. ત્રણ મહિનામાં અનેક મુદતો પડ્યા બાદ તા.30 જૂન સુધીમાં મહામંત્રી સહિતની બોડી જાહેર થઇ જશે તેવા સંકેતો પ્રદેશ કક્ષાએથી અપાયા હતા અને શહેર ભાજપના આગેવાનોએ ત્રણ મહામંત્રી માટે ત્રણ ત્રણ નામની પેનલ બનાવી પ્રદેશમાં મોકલી આપી હતી.
ભાજપના વર્તુળોના જણાવ્યા મુજબ રાજકોટ શહેર સહિત અને શહેર જિલ્લની નવી ટીમની રચના બાકી છે અને આ મુદ્દે પ્રદેશ કક્ષાએ મિટિંગ યોજાઇ હતી, પરંતુ અનેક શહેર જિલ્લામાં શક્તિ કેન્દ્રનું માળખું પણ તૈયાર થયું ન હોવાનું ધ્યાને આવતા પ્રદેશના આગેવાનોએ સૌપ્રથમ શક્તિ કેન્દ્રનું માળખું ફાઇનલ કરવાની સૂચના આપી હતી અને આ કાર્યવાહી પૂર્ણ થયા બાદ દશથી બાર દિવસ બાદ નવી ટીમના હોદ્દેદારોની યાદી ફાઇનલ કરવામાં આવશે તેવું પ્રદેશ કક્ષાએથી કહેવામાં આવ્યું હતું.