રાજકોટમાં ચકચાર મચાવતા અગ્નિકાંડના બનાવમાં પોલીસે ટીઆરપી ગેમ ઝોનના સંચાલકો, જમીન માલિકો, મહાનગરપાલિકાના કર્મચારી સહિતના સામે ગુનો નોંધી હાલમાં નવ જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી. બાદમાં વધુ એક આરોપી જમીન માલિક હાજર થતાં ક્રાઇમ બ્રાંચે તેની ધરપકડ કરી તપાસ કરતાં આરોપીને આંખે દેખાતું ન હોય અને કાને સંભળાતું ન હોય પોલીસ પણ મૂંઝાઇ હતી. દરમિયાન પોલીસે આરોપીને ચેકઅપ માટે સિવિલ હોસ્પિટલ લઇ જઇ ચેકઅપ કરાવી પુછપરછ માટે કાર્યવાહી કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ નાનામવા રોડ પર ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગમાં બાળકો સહિત 27 લોકોનાં મોતના મામલે ક્રાઇમ બ્રાંચે ગેમ ઝોનના સંચાલકો ધવલ ભરતભાઇ ઠક્કર, અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, તેના ભાઇ કિરીટસિંહ, પ્રકાશ કનૈયાલાલ હિરન, યુવરાજસિંહ હરિસિંહ સોલંકી, રાહુલ લલિતભાઇ રાઠોડ અને તપાસમાં ખૂલે તે તમામ સહિતના સામે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી હતી. જેમા સંચાલક પ્રકાશ હિરનનું ગેમ ઝોનમાં મૃત્યુ થયાનું બહાર આવ્યું હતું અને અશોકસિંહ જાડેજા ફરાર થઇ ગયા હોય બાકીના પાંચ આરોપીની ધરપકડ કરી તપાસ કરતાં વધુ આરોપીઓ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનર ઓફિસર મનસુખ સાગઠિયા, ગૌતમ જોષી, મુકેશ મકવાણા અને ફાયર ઓફિસર રોહિત વિગોરાની ધરપકડ કરી તેના રિમાન્ડ મેળવી પૂછતાછ કરી હતી અને રિમાન્ડ પૂરા થયા બાદ પકડાયેલા તમામ આરોપીઓ જેલહવાલે કર્યા હતા.