સ્વયંસેવક સંઘની માસિક જાગરણ પત્રિકા ‘વિચારભારતી’ના વાર્ષિક વિશેષાંકનો વિમોચન સમારોહ રાજકોટ ખાતે તાજેતરમાં યોજાયો હતો. વિચાર પ્રવાહ ટ્રસ્ટના ઉપક્રમે આત્મીય યુનિવર્સિટી ખાતે રવિવારે આયોજિત આ કાર્યક્રમમાં પ્રબુદ્ધજનો, તેમજ સ્વયંસેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે સૌરાષ્ટ્ર પ્રાંત પ્રચારક મહેશભાઈ જીવાણીએ કહ્યું હતું કે, સંઘ તંત્રમાં ધરાતલ પર કામ કર્યા પછી સમયની જરૂરિયાત મુજબ, વિચાર પ્રવાહને સમાજ સુધી લઈ જવા વિચાર ભારતી, સાધના, પાંચજન્ય, ઓર્ગેનાઈઝર જેવા પત્ર-પત્રિકા શરૂ કરવામાં આવ્યા.
સંઘના સ્થાપક ડૉ. હેડગેવારજીનો વિશેષ પરિચય આપતા તેમણે કહ્યું હતું કે, વર્તમાનમાં ચાલતાં દરેક કાર્યો જેમ કે સેવા, ગૌરક્ષા, ધર્મ જાગરણ એમ દરેક ક્ષેત્રમાં તેમના વિચાર અને કાર્ય દેખાય છે. તેમણે કહ્યું હતું કે, સમાજમાં અનેક જગ્યાએ જ્યાં સંઘ કાર્ય શરૂ નહોતું થયું, ત્યાં સંઘનો વિચાર આવી પત્રિકા મારફત પહોંચ્યો હતો અને પછી ત્યાં સંઘ કાર્ય શરૂ થયું હતું. સંઘના શતાબ્દીનો આ સમય વિશેષ છે, ત્યારે સંઘના કાર્યો સહિતની બાબતોને વિશેષાંક દ્વારા લોકો સુધી પહોંચાડવાનો આ એક પ્રયાસ છે. આ અવસરે સંઘના રાજકોટ મહાનગર સંઘચાલક ડૉ.જિતેન્દ્રભાઈ અમલાણી, નરેન્દ્રભાઈ દવે પ્રાંત સહવ્યવસ્થા પ્રમુખ ગોવિંદભાઈ પટેલ, મનીષભાઈ બેચરા પ્રાંત વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ વિશેષાંકન વિમોચનનો બીજો કાર્યક્રમ સેવા ભારતી ભવન, 80 ફૂટ રોડ, અમૂલ સર્કલ, રાજકોટ ખાતે યોજાયો. આ કાર્યક્રમમાં “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી વર્ષ’ વિશેષાંક કુલ બે સંપુટમાં પ્રકાશિત થયો. જેના સંપુટ-1માં સંઘના પ્રારંભ થવાથી લઈ તેના વિચાર, ચિંતન, કાર્યપદ્ધતિ અને સંઘ કાર્યના વ્યાપનો ઉલ્લેખ કરાયો છે. જ્યારે સંપુટ-2માં સંઘના વૈચારિક ચિંતનથી લઈ સમાજમાં તેના વિવિધ આયામો છે.